ઈસ્લામાબાદઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ દેશના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને કેન્દ્રિય ગૃહ અને વિદેશ મંત્રાલયોને લેખિતમાં વિનંતી કરી છે કે તેઓ પાકિસ્તાન ટીમને આવતા ઓક્ટોબર-નવેમ્બરમાં આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ-2023માં રમવા માટે ભારત જવાની મંજૂરી આપે. પત્રમાં પીસીબીને એવી સલાહ આપવાની વિનંતી કરવામાં આવી છે કે શું પાકિસ્તાની ટીમે ભારતના પ્રવાસે જવું જોઈએ? અને જો જવું જોઈએ તો, શું ત્યાંના પાંચ સ્થળોમાંથી ભારતીય ટીમ જ્યાં રમવાની હોય એવા કોઈ સ્થળને માટે વાંધો દર્શાવવો જોઈએ કે નહીં?
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદી સંગઠનો દ્વારા છેલ્લા અનેક વર્ષોથી ભારતમાં આતંકવાદી હુમલાઓ અને ભારત-વિરોધી આતંકી પ્રવૃત્તિઓ કરતી હોવાથી ભારતે આ પડોશી દેશ સાથેના દ્વિપક્ષી ક્રિકેટ સંબંધો પર પ્રતિબંધ મૂકી દીધો છે.
આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા ભારત આયોજિત વર્લ્ડ કપ-2023ના કાર્યક્રમ અનુસાર, પાકિસ્તાન ટીમે ભારતમાં પાંચ શહેરોમાં 9 મેચ રમવાની રહેશે. આમાંની એક હશે, 15 ઓક્ટોબરે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત સામેની મેચ.
પાકિસ્તાન ક્રિકેટ ટીમ 2016 પછી ભારતમાં ફરી રમવા આવી નથી. 2016માં તે મેન્સ ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં રમવા આવી હતી.
પાકિસ્તાનની હાલની સરકારની મુદત આવતા ઓગસ્ટ મહિનામાં પૂરી થાય છે. તેથી એ પાકિસ્તાન ટીમના ભારત પ્રવાસ અંગે સત્તાવાર નિર્ણય લેવાનું મોટે ભાગે ટાળવાનું પસંદ કરશે અને નવી સરકાર સત્તા પર આવે તેની પર છોડશે. 2016માં, તે વખતના વડા પ્રધાન નવાઝ શરીફની સરકારે તેમના દેશની ટીમને ભારતમાં ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં રમવા જવાની છેલ્લી ઘડીએ પરવાનગી આપી હતી. આ વખતે પણ કદાચ એવું જ થઈ શકે છે.