ભારત સામે ઘોર પરાજયથી અમે ગભરાઈ ગયા છીએઃ પાકિસ્તાન ટીમના કોચની કબૂલાત

દુબઈ – અહીં રમાતી એશિયા કપ-2018, ક્રિકેટ સ્પર્ધાની સતત બે મેચમાં ભારત સામે પરાજય થયા બાદ પાકિસ્તાન ટીમના કોચ મિકી આર્થરે કબૂલ કર્યું છે કે એના ખેલાડીઓ આત્મવિશ્વાસના અભાવથી પીડાય છે. તેઓ ગભરાઈ ગયા છે.

ગ્રુપ-Aની મેચમાં ભારતે પાકિસ્તાનને 8-વિકેટથી હરાવ્યું હતું અને ગઈ કાલે સુપર-4 રાઉન્ડની મેચમાં 9-વિકેટથી પછાડ્યું હતું.

આર્થરે કહ્યું છે કે, અમારા ડ્રેસિંગ રૂમમાં નિષ્ફળતાનો ભય ફેલાઈ ગયો છે. આત્મવિશ્વાસની કટોકટી સર્જાઈ છે.

ગ્રુપ મેચમાં ભારતના બોલરોએ પાકિસ્તાનને 43.1 ઓવરમાં, 162 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. અને સુપર-4 રાઉન્ડ મેચમાં પાકિસ્તાન ભલે 7-વિકેટના ભોગે 237 રન કરી ગયું હતું, પણ ભારતની ટીમે 39.3 ઓવરમાં માત્ર એક જ વિકેટના ભોગે 238 રન કરીને મેચ આસાનીથી જીતી લીધી હતી. કેપ્ટન રોહિત શર્મા 111 રન કરીને નોટઆઉટ રહ્યો હતો અને શિખર ધવને 114 રન કર્યા હતા. બંનેએ 210 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.

આર્થરે કહ્યું છે કે, 9-વિકેટથી પરાજય એ અત્યંત ખરાબ દેખાવ કહેવાય. ભારતના ખેલાડીઓ ઘણા જ સારું રમી રહ્યા છે. એમને જરાક તક આપવામાં આવે છે કે તેઓ ઝડપી લે છે.

પાકિસ્તાનના ફિલ્ડરોએ પણ નબળો દેખાવ કર્યો હતો. એમણે રવિવારની મેચમાં રોહિત શર્માના કુલ બે કેચ પડતા મૂક્યા હતા. ઈમામ ઉલ હક અને ફખર ઝમાને એક-એક કેચ પડતો મૂક્યો હતો.

પાકિસ્તાને હવે સુપર-4 રાઉન્ડમાં બાંગ્લાદેશ સામે રમવાનું છે. જો તે એમાં જીતશે તો સ્પર્ધાની ફાઈનલમાં ભારત સામે ફરી રમવાનું આવશે. અને જો એ હારી જશે તો ફાઈનલમાં ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ મુકાબલો થશે.

httpss://twitter.com/faizanlakhani/status/1044160880815087616

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]