એશિયા કપ જીતવા માટે ભારત કરતાં પાકિસ્તાનને તક વધુઃ કનેરિયા

નવી દિલ્હીઃ પાકિસ્તાનનો ભૂતપૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ 30 ઓગસ્ટથી શરૂ થતા એશિયા કપ માટે ભારતની ટીમ પસંદગીએ વિશે નિરાશા વ્યક્ત કરી છે. તેણે આ ટુર્નામેન્ટ માટે યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસનને ટીમથી બહાર રાખવા બદલ ભારતીય પસંદગીકારોની ટીકા કરી છે.

તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે યશસ્વી જયસ્વાલ જબરદસ્ત ફોર્મમાં હોવા છતાં એશિયા કપ 2023 માટે ટીમમાં તેને નથી લેવામાં આવ્યો. યશસ્વી એક દિગ્ગજ બેટ્સમેન છે અને તેણે વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટમાં નોંધપાત્ર દેખાવ કર્યો છે, જ્યારે T20 સિરીઝમાં પણ તે સારું રમ્યો છે.

યશસ્વી હાલ જબરદસ્ત ફોર્મમાં છે, તો પછી પસંદગીકારોએ તેને બહાર કેમ બેસાડ્યો છે? સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલને બહાર બેસાડવામાં આવ્યા છે, જ્યારે KL રાહુલ અને શ્રેયસનો ટીમમાં સમાવેશ કર્યો છે, જે મેચ પ્રેક્ટિસમાં નહોતા.

તેણે કહ્યું હતું કે એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમ ભારતની ટીમ કરતાં વધુ બેલેન્સ ટીમ છે. વળી ટીમ ઇન્ડિયાનો આ ટુર્નામેન્ટમાં કંઈ સારો રેકોર્ડ નથી. વળી, વિરાટ કોહલી અને રોહિત શર્મા હાલમાં સાતત્યભર્યા ફોર્મમાં નથી, જ્યારે બીજી બાજુ બાબર આઝમ, ઇમામ ઉલ હકે હાલમાં સાતત્યભરી બેટિંગ કરી છે, એમ તેણે કહ્યું હતું.

આ એક સારી ટુર્નામેન્ટ થશે. બેલેન્સ જોઈને લાગે છે કે પાકની ટીમ સારી છે, જ્યારે ઇન્ડિયાનો દેખાવ આ ટુર્નામેન્ટમાં કંઈ ખાસ રહ્યો નથી. પાકિસ્તાન વધુ સારી ટીમ છે.  ઇન્ડિયાની ટીમ વેસ્ટ ઇન્ડિઝ સિરીઝ પણ હારી ગઈ હતી. પાકિસ્તાનને આ વખતે ભારત સામે સારી તક છે, એમ તેણે કહ્યું હતું.