ચેન્નાઈને ક્વાલિફાયર-1માં હરાવી મુંબઈ પાંચમી વાર આઈપીએલ ફાઈનલમાં

ચેન્નાઈ – મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્ત્વવાળી અને ગયા વર્ષની વિજેતા ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને આજે અહીં એના જ હોમગ્રાઉન્ડ – ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી ક્વાલિફાયર-1 મેચમાં 6-વિકેટથી હરાવીને મુંબઈ ઈન્ડિયન્સ ટીમ આઈપીએલ-2019 ક્રિકેટ લીગ સ્પર્ધાની ફાઈનલમાં પહોંચી ગઈ છે.

ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરનાર ચેન્નાઈ ટીમે તેના હિસ્સાની 20 ઓવરમાં 4 વિકેટે 131 રન કર્યા હતા. તેના જવાબમાં, મુંબઈ ટીમે સૂર્યકુમાર યાદવના અણનમ 71 રન, હાર્દિક પંડ્યાના અણનમ 13 અને ઈશાન કિશન (28) સાથે યાદવે ત્રીજી વિકેટ માટે કરેલી 80 રનની ભાગીદારીની મદદથી 18.3 ઓવરમાં 4 વિકેટના ભોગે 132 રન કરીને મેચ જીતી લીધી હતી.

સૂર્યકુમાર યાદવે 54 બોલનો સામનો કર્યો હતો અને એણે 10 ચોગ્ગા ફટકાર્યા હતા.

સ્કોરઃ ચેન્નાઈ સુપરકિંગ્સ 131-4 (20). અંબાતી રાયડુ 42*, મહેન્દ્ર સિંહ ધોની 37*. મુંબઈ ઈન્ડિયન્સ 132-3 (18.3). સૂર્યકુમાર યાદવ 71*, ઈશાન કિશન 28.

મુંબઈની ટીમ આ પાંચમી વાર આઈપીએલ ફાઈનલમાં પહોંચી છે.

હવે આવતીકાલે, વિશાખાપટનમમાં દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ‘એલિમિનેટર’ મેચ રમાશે. એમાં જે ટીમ વિજેતા બનશે એ 10 મેએ વિશાખાપટનમમાં ‘ક્વાલિફાયર-2’ મેચમાં રમશે જ્યાં એનો સામનો ચેન્નાઈ સુપરકિંગ્સ સામે થશે.

આમ, ચેન્નાઈ સુપરકિંગ્સને ફાઈનલમાં જવા માટે હજી એક તક મળશે.

સૂર્યકુમાર યાદવને ‘મેન ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.

આ વખતની સ્પર્ધામાં ચેન્નાઈ સુપર કિંગ્સ પર મુંબઈ ઈન્ડિયન્સનો આ સતત ચોથો વિજય છે.

ચેપોક મેદાન પર ચેન્નાઈ સુપર કિંગ્સ છેલ્લી 21 મેચમાં 18 જીતી છે અને આજની સહિત 3માં હારી છે.

રોહિત શર્માની આગેવાની હેઠળ મુંબઈ ઈન્ડિયન્સે ચેપોક મેદાન પર આ સાતમો વિજય પ્રાપ્ત કર્યો છે.

ચેન્નાઈ ટીમ સાત વાર અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર 3 વાર પહોંચી છે.

(તસવીરોઃ iplt20.com)