દોહાઃ કેપ્ટન લિયોનેલ મેસ્સીએ તેની પ્રોફેશનલ કારકિર્દીનો 1,000મો ગોલ નોંધાવવા સાથે એની આર્જેન્ટિના ટીમે અહીં રમાતી ફિફા વર્લ્ડ કપ-2022ની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આર્જેન્ટિનાએ ગઈ કાલે રાઉન્ડ-16ની મેચમાં ઓસ્ટ્રેલિયા પર 2-1થી વિજય પ્રાપ્ત કર્યો હતો. આ વિજયને પગલે આર્જેન્ટિનામાં લોકો આનંદમાં આવીને શેરીમાં ઉતરી આવ્યા હતા.
પોતાની પાંચમી અને મોટે ભાગે આખરી વર્લ્ડ કપમાં રમતા મેસ્સીએ મેચની 34મી મિનિટે ગોલ કર્યો હતો. આ વખતની સ્પર્ધામાં આ તેનો ત્રીજો ગોલ છે જ્યારે વર્લ્ડ કપમાં એણે કરેલા ગોલની સંખ્યા 9 પર પહોંચી છે. પોતાના જ દેશના દંતકથા સમાન ખેલાડી ડિયેગો મેરાડોના કરતાં મેસ્સી હવે એક ગોલ વધારી કરી ચૂક્યો છે. આર્જેન્ટિનાનો બીજો ગોલ જુલિયન અલ્વારેઝે 57મી મિનિટે ગોલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાનો એકમાત્ર ગોલ એન્ઝો ફર્નાન્ડિઝે 77મી મિનિટે કર્યો હતો. 10 ડિસેમ્બરે રમાનારી ક્વાર્ટર ફાઈનલમાં હવે આર્જેન્ટિનાનો મુકાબલો નેધરલેન્ડ્સ સાથે થશે. નેધરલેન્ડ્સે ગઈ કાલની અન્ય રાઉન્ડ-16 મેચમાં અમેરિકાને 3-1થી પરાસ્ત કર્યું હતું. નેધરલેન્ડ્સ ટીમ 1974, 1978 અને 2010ની સ્પર્ધામાં રનર્સ-અપ રહી હતી.
વર્લ્ડ કપ-2022માં આર્જેન્ટિનાની આગળની સફર વિશે સંભાવના…
જો આર્જેન્ટિના સેમી ફાઈનલમાં પહોંચવામાં સફળ થશે તો ત્યાં એનો મુકાબલો ક્રોએશિયા (ગ્રુપ-H રનર્સ-અપ) અથવા બ્રાઝિલ (ગ્રુપ-G વિજેતા) સાથે થઈ શકે છે.
જો આર્જેન્ટિના ફાઈનલમાં પહોંચવામાં સફળ થાય તો ત્યાં એનો મુકાબલો ફ્રાન્સ (ગ્રુપ-D વિજેતા), ઈંગ્લેન્ડ (ગ્રુપ-B વિજેતા) અથવા પોર્ટુગલ (ગ્રુપ-H વિજેતા) સાથે થઈ શકે છે. આર્જેન્ટિનાએ 1978 અને 1986, એમ બે વાર વર્લ્ડ કપ ટ્રોફી જીતી છે. ત્રણ વખત એ રનર્સ-અપ રહ્યું છે – 1930, 1990 અને 2014.