બાંગ્લાદેશ પહેલી વન-ડેમાં ભારતને 1-વિકેટથી હરાવી ગયું

મિરપુરઃ બાંગ્લાદેશની આખરી જોડીએ રોમાંચક ફટકાબાજી કરીને ભારતને આજે અહીં પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં 1-વિકેટથી હરાવીને 3-મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ પ્રાપ્ત કરી છે. બાંગ્લાદેશના કેપ્ટન લિટન દાસે ટોસ જીતી ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. બાંગ્લાદેશના અનુભવી ઓલરાઉન્ડર શકીબ અલ હસનના સ્પિન તરખાટને કારણે ભારત 41.2 ઓવરમાં માત્ર 186 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. શકીબે 10 ઓવરમાં 36 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. ભારતના એકમાત્ર વિકેટકીપર-બેટર કે.એલ. રાહુલે લડત આપી હતી. એણે 70 બોલમાં ચાર છગ્ગા, પાંચ ચોગ્ગા સાથે 73 રન કર્યા હતા. ટોપ-ઓર્ડરમાં, કેપ્ટન રોહિત શર્મા 27, શિખર ધવન 7, વિરાટ કોહલી 9, શ્રેયસ ઐયર 24 રન કરીને આઉટ થયો હતો.

બાંગ્લાદેશના દાવમાં જીતની શક્યતા બંને ટીમને વારાફરતી મળતી રહી હતી. આખરે, મેહદી હસન મિરાઝ અને મુસ્તફિઝુર રેહમાનની આખરી જોડીએ ફટકાબાજી કરીને ભારતના હાથમાં ગયેલી બાજી છીનવી લીધી હતી. બંનેએ 10મી વિકેટ માટે 51 રનની અતૂટ ભાગીદારી કરી હતી. 8મા ક્રમે આવેલો મિરાઝ 39 બોલમાં બે છગ્ગા, 4 ચોગ્ગા સાથે 38 રન કરીને અને 11મો બેટર રેહમાન 11 બોલમાં બે ચોગ્ગા સાથે 10 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. મિરાઝને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. બંને ટીમ વચ્ચે બીજી મેચ 7 ડિસેમ્બરે ઢાકામાં રમાશે.