અમારે હજી ઘણી બાબતોમાં સુધારા અપનાવવાની જરૂર છેઃ ધોની

અબુધાબીઃ ગઈ કાલે અહીંના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં આઈપીએલ-2020ની પ્રારંભિક મેચમાં ગઈ વેળાના ચેમ્પિયન્સ મુંબઈ ઈન્ડિયન્સને પોતાની ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચ-વિકેટથી પરાજય આપ્યો તેનાથી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ખુશ થયો છે, પણ હજી ઘણી બાબતોમાં ટીમે સુધારા અપનાવવાની જરૂર છે એવું તેણે કહ્યું છે.

ગયા વર્ષની સ્પર્ધામાં, મુંબઈ ટીમ સામે ચેન્નાઈ સુપર કિંગ્સ ફાઈનલ સહિત તમામ ચારેય મુકાબલામાં હારી ગઈ હતી. આમ, આ વખતે પ્રારંભિક મેચમાં જ જીત મળતાં ધોની અને તેના સાથીઓ આનંદમાં આવી ગયા છે.

ગઈ કાલની મેચમાં ચેન્નાઈ ટીમે બોલિંગ અને બેટિંગ, બંને વિભાગમાં મુંબઈના ખેલાડીઓને પરાસ્ત કર્યા હતા.

ધોનીએ કહ્યું કે ગઈ કાલની મેચમાં અમારા દેખાવમાં ઘણી સકારાત્મક્તા જોવા મળી છે, પરંતુ હજી બીજી ઘણી બાબતોમાં અમારે સુધારો કરવાની જરૂર છે.

ધોનીએ કહ્યું કે મેચમાં અમારી ટીમનો કોઈ ખેલાડી ઈન્જર્ડ ન થયો એનાથી તેને બહુ રાહત થઈ છે, કારણ કે અમારી ટીમમાં ઘણા ખેલાડીઓ એવા છે જેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયા છે.

અંબાતી રાયડુ ‘મેન ઓફ ધ મેચ’

શનિવારની મેચમાં, ધોનીએ ટોસ જીતીને મુંબઈ ઈન્ડિયન્સને પહેલા બેટિંગ આપી હતી. મુંબઈએ તેના હિસ્સાની 20 ઓવરમાં 9 વિકેટે 162 રન કર્યા હતા. તેના જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 19.2 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 166 રન કરીને મેચ જીતી લીધી હતી.

ફાફ ડુ પ્લેસીએ મેચના પરિણામ પૂર્વેના છેલ્લા બે બોલમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. એ 44 બોલમાં 58 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. મેન ઓફ ધ મેચનો એવોર્ડ ચેન્નાઈના અંબાતી રાયડુને આપવામાં આવ્યો હતો જેણે 48 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 71 રન ફટકાર્યા હતા. રાયડુ અને પ્લેસીએ ત્રીજી વિકેટ માટે 115 રનની ભાગીદારી કરી હતી.

આઈપીએલમાં કેપ્ટન તરીકે ધોનીનો આ ૧૦૦મો વિજય છે.

રોહિત શર્માના સુકાનીપદવાળી મુંબઈ ટીમમાં ટોપ સ્કોરર રહ્યો હતો સૌરભ તિવારી – 42 રન. વિકેટકીપર ક્વિન્ટન ડી કોકે 33, રોહિતે 12 રન કર્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]