વિપક્ષના વિરોધ વચ્ચે રાજ્યસભાએ કૃષિ ખરડા પાસ કરી દીધા

નવી દિલ્હીઃ લોકસભા બાદ રાજ્યસભાએ પણ કૃષિ ક્ષેત્ર સંબંધિત બે આજે ખરડા પાસ કરી દીધા છે. આ ખરડા કિસાનોને એમની ઊપજના માર્કેટિંગ માટે સ્વતંત્રતા આપવા અંગેના છે. કોંગ્રેસ સહિતના વિરોધપક્ષના ઉગ્ર વિરોધ છતાં મૌખિક મતદાન દ્વારા આ ખરડા પાસ કરી દેવામાં આવ્યા છે. આ પ્રક્રિયા પૂરી થયા બાદ તરત જ રાજ્યસભા ગૃહની કાર્યવાહીને આવતીકાલે સવારે 9 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

પાસ કરી દેવામાં આવેલા બે ખરડા છે – કૃષિ ઊપજ વ્યાપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સરળીકરણ) ખરડો, 2020 અને કિશાન (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમતની ખાતરી અંગેનો કરાર અને કૃષિ સેવાઓ ખરડો, 2020. ત્રીજો ખરડો છે – આવશ્યક ચીજવસ્તુઓ (સુધારા) ખરડો, 2020.

રાજ્યસભામાં કુલ 245 બેઠક છે. એમાં શાસક ભારતીય જનતા પાર્ટીના કુલ 86 સભ્યો છે. કોંગ્રેસના 40, તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)ના 13, સમાજવાદી પાર્ટીના 8, તેલંગાણા રાષ્ટ્રસમિતિ (ટીઆરએસ)ના 7, બિજુ જનતા દળ (બીજેડી)ના 9, જનતા દળ યુનાઈટેડ (જેડીયુ)ના 5, ઓલ ઈન્ડિયા અન્નાદ્રમુક (એઆઈએડીએમકે)ના 9, ડીએમકેના 7, રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના પાંચ.

લોકસભા બાદ રાજ્યસભામાં પણ વિરોધપક્ષના સભ્યોએ આ ખરડાઓ સામે આજે ઉગ્રપણે વિરોધ વ્યક્ત કર્યો હતો અને સરકારની વિરુદ્ધમાં નારા લગાવ્યા હતા.

ટીએમસીના સભ્ય ડેરેક ઓબ્રાયને ગૃહના નાયબ અધ્યક્ષ હરિવંશની બેઠક સુધી ધસી ગયા હતા અને એમની નજર સામે ખરડાની કોપીઓ, ગૃહના નિયમોની પુસ્તિકા ખેંચી લઈને ફાડી નાખી.

ચર્ચા દરમિયાન તમામ વિરોધ પક્ષોના સભ્યોએ માગણી કરી હતી કે આ ખરડાઓને ફેરવિચારણા માટે ગૃહની સિલેક્ટ કમિટીને મોકલવા જોઈએ, પરંતુ સરકારે એમની માગણીઓ સ્વીકારી નહોતી.

શાસક ભાજપે તેના તમામ સભ્યોને રાજ્યસભામાં હાજર રહેવાનો આદેશ જારી કર્યો હતો.