મહારાષ્ટ્રના ભિવંડીમાં બિલ્ડિંગ પડવાથી 10 લોકોનાં મોત

 મુંબઈઃ મહારાષ્ટ્રમાં મુંબઈથી નજીક ભિવંડીમાં ધામણકર નાકાની પાસે પટેલ કમ્પાઉન્ડ ક્ષેત્રમાં સવારે એક ત્રણ માળનું બિલ્ડિંગ તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં 10 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે 30થી 40 લોકો હજી બિલ્ડિંગના કાટમાળમાં ફસાયા હોવાની આશંકા દર્શાવવામાં આવી છે. આ દુર્ઘટના સવારે આશરે 3.40 મિનિટે થઈ હતી. સ્થાનિક રહેવાસીઓ અને ફાયરબ્રિગ્રેડ વિભાગ રાહત કાર્યોમાં લાગેલો છે. NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. પ્રાપ્ત માહિતી મુજબ જિલાની નામના આ બિલ્ડિંગના કાટમાળમાંથી અત્યાર સુધી 20 લોકોને કાઢવામાં આવ્યા છે.

નેશનલ ડિઝેસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), ફાયરબ્રિગ્રેડ અને પોલીસની ટીમો રાહત કાર્યમાં લાગેલી છે. આ બિલ્ડિંગમાં 40 પરિવાર રહેતા હતા, આ બિલ્ડિંગ 40 વર્ષ જૂનું છે, એમ NDRFના પ્રમુખ સત્ય પ્રધાને ટ્વીટ કરીને જણાવ્યું હતું.

 આ બિલ્ડિંગ જોખમી બિલ્ડિંગોની યાદીમાં નહીં

ભિવંડી નિઝામપુર નગર નિગમે જણાવ્યું હતું કે જિલાની એપાર્ટમેન્ટ જોખમી બિલ્ડિંગની યાદીમાં નહોતું. આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ અને ત્રણ માળ હતા. આ બિલ્ડિંગમાં 40 ફ્લેટ હતા, જેમાં 150 લોકો રહેતા હતા.

આ બિલ્ડિંગના કાટમાળમાં  બહાર કાઢવામાં આવેલા લોકોમાં મોબિન શેખ, સલમાની, રુક્શાર કુરેશી, મોહમ્મદ અલી, સબીર કુરેશી સામેલ છે. આ સિવાય માર્યા ગયેલાઓમાં ઝુબૈર, ફૈઝા, આયશા અને બબ્બુ સામેલ છે.