ટેનિસ-ચેમ્પિયન લિએન્ડર પેસ ગોવામાં જોડાયા તૃણમુલ કોંગ્રેસમાં

પણજીઃ ભારતીય ગ્રાન્ડસ્લેમ ટેનિસ ચેમ્પિયન અને ઓલિમ્પિક મેડલ વિજેતા લિએન્ડર પેસ અત્રે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની હાજરીમાં તૃણમુલ કોંગ્રેસ પાર્ટીમાં વિધિસર જોડાઈ ગયા છે. ગોવામાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે. હાલ ત્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. પેસે બાદમાં પત્રકારોને કહ્યું હતું કે, હું હવે ગોવામાં પણ રહું છું. તેથી આ મારું બીજું ઘર છે. મારો જન્મ બંગાળમાં થયો હતો, પરંતુ હું તો દેશભક્ત ભારતીય છું. મારે મન બંગાળ અને ગોવા, બંને સરખા છે. ટેનિસ રમતી વખતે પણ મારો એક જ ધ્યેય રહ્યો છે, ભારત દેશને ગૌરવ અપાવવું.

કોલકાતામાં જન્મેલા અને મુંબઈમાં સ્થાયી થયેલા લિએન્ડરના પિતા વેસ પેસ મૂળ ગોવાના છે. 2022માં નિર્ધારિત ગોવા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનવા વિશેના સવાલનો જવાબ આપવાનું પેસે ટાળ્યું હતું. એમણે કહ્યું કે, ભારત દેશ દુનિયામાં સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે અને દીદી (મમતા બેનરજી)નું મહાન સપનું છે કે ભારતને અત્યંત સફળ રાષ્ટ્ર બનાવવું. મારી ટેનિસ કારકિર્દીને મમતા બેનરજી શરૂઆતથી જ સમર્થન કરતાં રહ્યાં છે. બેનરજી જ્યારે કેન્દ્રીય સ્પોર્ટ્સ પ્રધાન હતાં ત્યારે હું અને મારા પિતા એમને મળવા ગયા હતા. એ વખતે મારી ઉંમર 14 વર્ષની હતી. બેનરજી ત્યારથી મારી કારકિર્દી માટે ટેકો આપતાં આવ્યાં છે.

તૃણમુલ કોંગ્રેસમાં પેસના સમાવેશ અંગે મમતા બેનરજીએ કહ્યું કે, મને એ જાહેર કરતા ખૂબ જ આનંદ થાય છે કે લિએન્ડર પેસ આજે અમારી પાર્ટીમાં સામેલ થયા છે. એ મારાં નાના ભાઈ સમાન છે. ટીએમસીમાં એમનું સામેલ થવું યુવાન પેઢી માટે ખૂબ પ્રોત્સાહક બનશે.