શમીની ટીકા કરનારાઓને કોહલીએ કાયર કહ્યા

દુબઈઃ ગઈ 24 ઓક્ટોબરે T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચમાં ભારતના 10-વિકેટથી પરાજય બાદ ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વિશે સોશિયલ મિડિયા પર વાપરવામાં આવેલા અપશબ્દો મામલે ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ગુસ્સે થયો છે અને આજે એવા લોકોને આક્રમક શૈલીમાં સંભળાવી દીધું. કોહલીએ કહ્યું કે તેવી ટીકા કરવી કાયર લોકોનું કામ છે.

24મી ઓક્ટોબરે તે મેચના પરિણામ બાદ કોહલીએ કબૂલ કર્યું હતું કે પાકિસ્તાની ટીમે રમતના તમામ વિભાગોમાં સારો દેખાવ કરીને ભારતને હરાવ્યું હતું. કોહલીએ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ‘એટલે જ તો અમે લોકો મેદાન પર રમીએ છીએ અને એ કાયર લોકો સોશિયલ મિડિયા પર રમે છે. કોઈ વ્યક્તિની સામે આવીને બોલવાની એ લોકોમાં હિંમત નથી. આ તો સાવ નિમ્ન સ્તરનું માનવ રૂપ છે. કોઈની એના ધર્મના આધારે નિંદા કરવી એ કોઈ માનવીનું સૌથી હલકું સ્તર કહેવાય. હું તો ધર્મના આધારે પક્ષપાત કરવાનું ક્યારેય વિચારતો પણ નથી. ધર્મ તો બહુ પવિત્ર બાબત છે. અમારા ભાઈચારા અને મિત્રતાને આવી ટીકાઓ હચમચાવી શકશે નહીં… અમને એનાથી કોઈ ફરક પડતો નથી,’ એમ કોહલીએ વધુમાં કહ્યું.

ઉલ્લેખનીય છે કે 24મીની મેચ બાદ સોશિયલ મિડિયા પર મોહમ્મદ શમી વિશે ‘દેશદ્રોહી’ જેવી ઘણી ખરાબ કમેન્ટ્સ કરવામાં આવી હતી. કેટલાકે તો એમ પણ કહ્યું કે શમીને ભારતીય ટીમમાંથી હાંકી કાઢવો જોઈએ. જોકે ઘણા ચાહકો અને વિવિધ ક્ષેત્રોની જાણીતી હસ્તીઓએ શમીની તરફેણમાં મંતવ્યો રજૂ કર્યા હતા. પાકિસ્તાનની ટીમના ઓપનર અને વિકેટકીપર મોહમ્મદ રિઝવાને પણ શમીને સપોર્ટ કર્યો હતો અને લોકોને વિનંતી કરી હતી કે ખેલાડીઓનો આદર કરો, જેઓ કાયમ સારો દેખાવ કરવાના અત્યંત દબાણ હેઠળ રમતા હોય છે.