કે.એલ. રાહુલ ઈજાગ્રસ્ત; ઈંગ્લેન્ડના પ્રવાસમાંથી બહાર

મુંબઈઃ ઈજાગ્રસ્ત બેટર કે.એલ. રાહુલને સારવાર માટે વિદેશ મોકલવાનો ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ નિર્ણય લીધો છે. ભારતનો ઓપનર અને વાઈસ-કેપ્ટન રાહુલ પર જર્મનીમાં સારવાર થશે એવો અહેવાલ છે. એને કારણે ભારતીય ટીમના આગામી ઈંગ્લેન્ડ પ્રવાસ માટેની ટીમમાં સમાવેશ કરાશે નહીં. 30 વર્ષીય રાહુલને સાથળમાં ઈજા થઈ છે અને તે ગંભીર પ્રકારની છે. તે આ મહિનાની આખરમાં જર્મની માટે રવાના થાય એવી ધારણા છે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે આ સમાચારને સમર્થન આપ્યું છે.

ઈંગ્લેન્ડના પ્રવાસમાં ભારતીય ટીમ એક ટેસ્ટ મેચ (1-5 જુલાઈ), 3 વન-ડે ઈન્ટરનેશનલ અને 3 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમશે. આ પ્રવાસ માટેની ટીમનો સુકાની છે રોહિત શર્મા. હવે વાઈસ-કેપ્ટન પદ ખાલી પડ્યું છે અને બીસીસીઆઈ તે માટે કોઈ નવા ખેલાડીની નિમણૂક કરશે. ભારતીય ટીમનું એક જૂથ આવતીકાલે સવારે ઈંગ્લેન્ડ જવા રવાના થશે.