સરકારી હોસ્પિટલમાં નકલી દવાને લીધે ચાર મહિલાનાં મોત

જયપુરઃ રાજસ્થાનની સરકારી હોસ્પિટલોમાં ઉપયોગમાં લેવાતી દવાઓની ગુણવત્તા અંગે મોટો સવાલ ઊભો થયો છે. પ્રસૂતિ દરમિયાન મહિલાઓમાં બ્લીડિંગ રોકવા માટે આપવામાં આવતાં ઓક્સિટોસિન ઇન્જેક્શનની એક બેચ તપાસમાં નકલી હોવાનું સામે આવ્યું છે. આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે કોટાની ન્યુ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ડિલિવરી બાદ ચાર મહિલાઓનાં મોતનો મામલો સામે આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ મૃત મહિલાઓને પણ આ જ બેચનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું, જેને કારણે સમગ્ર આરોગ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે.

રાજસ્થાન ડ્રગ કન્ટ્રોલ વિભાગની તપાસમાં જાણવા મળ્યું કે ઇન્જેક્શનમાં તે સક્રિય તત્ત્વ જ હાજર નહોતું, જે પ્રસૂતિ બાદ વધુ રક્તસ્ત્રાવ રોકવા માટે જરૂરી હોય છે. રિપોર્ટ આવ્યા બાદ વિભાગે રાજ્યમાં આ દવાના વેચાણ અને ઉપયોગ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દીધો છે. એ સાથે જ હોસ્પિટલ અને મેડિકલ સ્ટોરમાંથી આ દવાનો સ્ટોક હટાવવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.

તપાસમાં સેમ્પલ ફેલ

રાજસ્થાનના ડ્રગ કન્ટ્રોલર અજય ફાટકે જણાવ્યું કે અમૃતસર સ્થિત જેક્સન લેબોરેટરીઝ દ્વારા બનાવવામાં આવેલા ઓક્સિટોસિન ઇન્જેક્શનનું સેમ્પલ લેબ તપાસમાં ફેલ થયું હતું. ત્યાર બાદ કોટાની ન્યુ મેડિકલ કોલેજ હોસ્પિટલમાંથી આ બેચનો સંપૂર્ણ સ્ટોક જપ્ત કરવામાં આવ્યો છે. વિભાગ હવે તપાસ કરી રહ્યો છે કે આ દવા કયા-કયા હોસ્પિટલ અને સપ્લાય ચેનલ સુધી પહોંચી હતી. જોકે  હોસ્પિટલ પ્રશાસને મહિલાઓના મોતને સીધા નકલી ઇન્જેક્શન સાથે જોડવાનો ઇનકાર કર્યો છે. હોસ્પિટલનું કહેવું છે કે મામલાની તપાસ માટે નિષ્ણાતોની સમિતિ બનાવવામાં આવી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સહિતનાં મેડિકલ તથ્યોને આધારે જ અંતિમ નિષ્કર્ષ જાહેર કરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો દાવો કરવો વહેલું ગણાશે.

આ રાજ્યોમાં બનતી હતી દવાઓ

આ ઘટનાએ રાજસ્થાનમાં દવાઓની ગુણવત્તા નિયંત્રણ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. છેલ્લા દસ દિવસ દરમિયાન રાજ્યમાં વેચાતી 11 દવાઓના સેમ્પલ તપાસમાં ફેલ થયાં છે. તેમાં તાવ, એલર્જી, એન્ટિબાયોટિક, પેટના ચેપ અને ઇમરજન્સીમાં ઉપયોગમાં લેવાતી પેઇનકિલર દવાઓનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગના રિપોર્ટ અનુસાર આ દવાઓ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ગુજરાત, ઉત્તરાખંડ, દિલ્હી અને મહારાષ્ટ્રની વિવિધ કંપનીઓમાં બનાવવામાં આવી રહી હતી. વિભાગ હવે સંબંધિત કંપનીઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. નિષ્ણાતોનું કહેવું છે કે સરકારી હોસ્પિટલોમાં સપ્લાય થતી દવાઓની નિયમિત અને કડક તપાસ અત્યંત જરૂરી છે, કારણ કે નાની બેદરકારી પણ દર્દીઓના જીવન માટે ભારે પડી શકે છે.