“કારકિર્દીના ઊંબરે” વિદ્યાર્થી-વાલીઓ માટે પથદર્શક બનશેઃ કોંગ્રેસ

અમદાવાદઃ ધોરણ-૧૨ પછી જીવનની પ્રગતિ માટે અભ્યાસક્રમોની પસંદગી અતિ આવશ્યક બની જાય છે.  “કારકિર્દીના ઊંબરે” ધોરણ-૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકના વિમોચન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે  સતત સત્તરમા વર્ષે કારકિર્દી માર્ગદર્શન પુસ્તકથી માહિતી આપવાનો કોંગ્રેસ પક્ષ દ્વારા આ સંનિષ્ઠ પ્રયત્ન છે.

કોંગ્રેસ દ્વારા વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો તથા કારકિર્દી માર્ગદર્શન માટે કાર્યરત વિવિધ સંસ્થાઓ સાથે સંપર્ક કરીને વધુમાં વધુ માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે ધોરણ-૧૨ પછી ઉપલબ્ધ ૨૦૦થી વધુ અભ્યાસક્રમોની વિગતો સાથે વિશેષ કારકિર્દીના અભ્યાક્રમો અંગેની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સંસ્થાઓની માહિતી સાથે ૪૦થી વધુ પ્રવેશ પરીક્ષા અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી છે. ખાસ કરીને વિકલાંગો માટે વિવિધ અભ્યાસક્રમોની વિશેષ વિગતો આપવામાં આવી છે. શિક્ષણ માટે એજ્યુકેશન લોન અને સ્કોલરશિપ આપતી વિવિધ સરકારી વિભાગો અને ખાનગી ટ્રસ્ટોની વિગતો આ પુસ્તકની વિશેષતા છે. 

આ પ્રસંગે કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાએ શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે શિક્ષણ માળખાની સુવિધા સાથે ગુણવત્તા સભર શિક્ષણ મળે તે અતિ આવશ્યક છે. આ પુસ્તકના વિમોચન પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા,  સિદ્ધાર્થભાઈ પટેલ અને AICCના ભૂતપૂર્વ મહામંત્રી દીપક બાબરિયાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. આ પુસ્તક પ્રકાશિત કરવાનું ઉમદા કાર્ય પક્ષના સંનિષ્ઠ આગેવાન ડો. મનીષ દોશી અને તેમના તમામ સહયોગીઓ મારફત કરવામાં આવ્યું છે.

“કારકિર્દીના ઊંબરે” ધો-૧૨ પછી શું ? માર્ગદર્શન પુસ્તક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વેબસાઇટ www.gujaratcongress.org અને www.Careerpath.info  ઉપર પણ ઉબલબ્ધ થશે.