મુંબઈઃ આઈપીએલ-15 ક્રિકેટ સ્પર્ધામાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ વતી રમતો જમોડી ફાસ્ટ બોલર ઉમરાન મલિક એની ઘાતક સ્પીડ અને સચોટતાભરી બોલિંગથી દરેક જણને પ્રભાવિત કરી રહ્યો છે. સુનીલ ગાવસકર, ઈયાન બિશપ, ડેલ સ્ટેન, ઈરફાન પઠાણ જેવા ભૂતપૂર્વ ક્રિકેટ ધુરંધરો જમ્મુ અને કશ્મીરના શ્રીનગર શહેરના વતની અને 22 વર્ષના ઉમરાનના દેખાવથી રોમાંચિત થયા છે અને એમનું માનવું છે કે તેનું ભવિષ્ય ઉજ્જવળ છે, એ ભારતીય રાષ્ટ્રીય ટીમમાં ફાસ્ટ બોલિંગના આક્રમણને નવું બળ પૂરું પાડવા સજ્જ થઈ ગયો છે અને ટીમ ઈન્ડિયાના દ્વાર ખખડાવી રહ્યો છે.
ઉમરાને ગઈ કાલે નવી મુંબઈના પાટીલ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામેની મેચમાં જોરદાર દેખાવ કરી એની હૈદરાબાદ ટીમને જિતાડી હતી. એણે ચાર ઓવરમાં 28 રન આપીને 4 વિકેટ લીધી હતી. એણે ફેંકેલી પંજાબના દાવની છેલ્લી 20મી ઓવરમાં 3 વિકેટ લીધી હતી. ઓડીયન સ્મિથ (બીજા બોલે), રાહુલ ચાહર (ચોથા બોલે) અને વૈભવ અરોરા (પાંચમા બોલે). એ હેટ-ટ્રિકને આરે હતો. છેલ્લા બોલે અર્શદીપ સિંહની વિકેટ પડી હતી, પરંતુ એ રનઆઉટ થયો હતો. ઉમરાનને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.