ભારતીય મૂળના ટેક્સી-ડ્રાઈવરનો પુત્ર ઓસ્ટ્રેલિયાની T20 ટીમમાં

મેલબર્નઃ ન્યૂઝીલેન્ડમાં પાંચ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમનાર ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય ટીમમાં સગીર વયના લેગ-સ્પિનર તનવીર સાન્ગાનો સમાવેશ કરવામાં આવ્યો છે. નોંધનીય વાત એ છે કે તનવીર ભારતીય મૂળના ટેક્સી ડ્રાઈવરનો પુત્ર છે. તનવીરને રાષ્ટ્રીય ટીમમાં સામેલ કરવાની ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ભલામણ કરી હતી.

માત્ર 12 મહિના પહેલાં તનવીરે અન્ડર-19 વર્લ્ડ કપ સ્પર્ધામાં ઓસ્ટ્રેલિયાની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ભારતની સામે રમ્યો હતો. એ સિડનીમાં રહેતા ટેક્સી-ડ્રાઈવર જોગાનો પુત્ર છે. જોગા 1997માં પંજાબના જલંધરમાંથી ઓસ્ટ્રેલિયા સ્થાયી થયા હતા. 19 વર્ષનો તનવીર સાન્ગા બિગ બેશ લીગની ગત્ મોસમમાં સિડની થન્ડર ટીમ વતી જોરદાર ફોર્મમાં રમ્યો હતો અને 16.66ની સરેરાશ સાથે 21 વિકેટ લીધી હતી.