નેટ પ્રેક્ટિસ વખતે રોહિતને હાથમાં ઈજા થઈ

એડીલેડઃ ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં પહોંચી ગઈ છે અને ત્યાં 10 નવેમ્બરે એનો મુકાબલો અહીંના જ એડીલેડ ઓવલ મેદાન પર ઈંગ્લેન્ડ સામે થવાનો છે. એ પૂર્વે આજે સવારે મેદાન પર નેટ પ્રેક્ટિસ કરતી વખતે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને હાથ પર બોલ વાગતા ઈજા થઈ હતી. પ્રેક્ટિસ સત્ર વખતે રોહિત શર્મા થ્રો-ડાઉન સ્પેશિયાલિસ્ટ એસ. રઘુ સાથે બેટિંગની પ્રેક્ટિસ કરતો હતો. એ વખતે એક શોર્ટ બોલ રોહિતના જમણા હાથના કાંડા પર વાગ્યો હતો. રોહિત તરત જ પીડાથી કણસવા લાગ્યો હતો અને બાજુ પર બેસી ગયો હતો. એના હાથ પર આઈસ પેક મૂકવામાં આવ્યું હતું, પણ એ તરત જ નેટ્સમાંથી જતો રહ્યો હતો.

રોહિતની ઈજા કેટલી ગંભીર છે તે હાલ કહેવું મુશ્કેલ છે, કારણ કે બીસીસીઆઈ તરફથી એ વિશે હજી સુધી કોઈ અપડેટ આવ્યું નથી. રોહિત નેટ પ્રેક્ટિસથી લગભગ 40 મિનિટ દૂર રહ્યો હતો, પણ ત્યારબાદ પાછો ફર્યો હતો અને સંપૂર્ણ લયપૂર્વક બેટિંગ પણ કરી હતી. ધારો કે રોહિત એની આ ઈજાને કારણે ગુરુવારની સેમી ફાઈનલમાં રમી ન શકે તો એની જગ્યાએ કે.એલ. રાહુલ ટીમનું સુકાન સંભાળી શકે, જે ટીમનો વાઈસ-કેપ્ટન છે અને છેલ્લી મેચથી હાફ સેન્ચુરી ફટકારીને ફોર્મમાં પણ રમી રહ્યો છે. રોહિતે આ સ્પર્ધામાં પાંચ મેચમાં માત્ર 80 રન કર્યા છે. તે હાલ કંગાળ ફોર્મમાં ચાલી રહ્યો છે.