મુંબઈઃ બાણગંગા તળાવ ખાતે ત્રિપુરારી પૂર્ણિમા નિમિત્તે મહાઆરતી…

દક્ષિણ મુંબઈના મલબાર હિલ-વાલકેશ્વર વિસ્તારના હિન્દુ વાલકેશ્વર મંદિરમાં આવેલા 11મી સદીના પ્રાચીન બાણગંગા તળાવ કે બાણગંગા કુંડ ખાતે 7 નવેમ્બર, સોમવારે ત્રિપુરારી પૂર્ણિમા અથવા કારતક સુદ પૂર્ણિમા અથવા દેવદિવાળી નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ અને પુરુષો તથા બાળકો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને આવ્યાં હતાં અને ધાર્મિક ઉત્સાહ-ઉમંગપૂર્વક મહાઆરતી પર્વમાં સહભાગી થવાનો આનંદ માણ્યો હતો. મહિલાઓએ તેલ ભરેલા ગ્લાસમાં જ્યોત પ્રગટાવીને દીવડાંને ઐતિહાસિક બાણગંગા તળાવની ચારેતરફના પગથિયાઓ પર મૂક્યા હતા તો કેટલાકને પાણીની સપાટી પર તરતાં મૂક્યાં હતાં. પુરુષોએ પરંપરાગત નૃત્ય સાથે આરતી ઉતારી હતી. એને કારણે સમગ્ર બાણગંગા કુંડ દીવડાની રોશનીથી ઝગમગી ઉઠ્યો હતો. ત્રિપુરારી પૂર્ણિમા પર્વની દેશભરમાં જુદા જુદા ધાર્મિક રીતરિવાજ અનુસાર ઉજવણી કરવામાં આવે છે. (તસવીરઃ દીપક ધુરી)