જયપુરઃ આ જ મહિને ઈંગ્લેન્ડના પ્રવાસે જનારી ભારતીય રાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટીમમાં જેની પસંદગી કરવામાં આવી છે તે બેટ્સવુમન પ્રિયા પુનિયાની માતાનું કોરોનાવાઈરસ બીમારીને કારણે નિધન થયું છે. 24-વર્ષીય પ્રિયાએ તેનાં સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર માતાને યાદ કરતું એક હૃદયદ્રાવક લખાણ પોસ્ટ કર્યું છે.
પ્રિયાએ લખ્યું છે, ‘આજે મને ખબર પડી કે તું મને મનથી મજબૂત રહેવાનું કાયમ શા માટે કહેતી હતી. તને ખબર હતી કે એક દિવસ એવો આવશે જ્યારે મારે તારી ખોટને સહન કરવાની શક્તિની જરૂર પડશે. તારી ખોટ મને બહુ સાલે છે મમ્મી. તું ગમે તેટલી દૂર હોય, હું જાણું છું કે તું કાયમ મારી સાથે જ રહીશ. તું મારી માર્ગદર્શક હતી… મમ્મી તને ખૂબ ખૂબ પ્રેમ.’
પ્રિયાએ વધુમાં લખ્યું છે, ‘જીવનમાં કેટલુંક સત્ય એવું હોય છે જેને સ્વીકારવું બહુ જ કઠિન હોય છે. મમ્મી તારી યાદને ક્યારેય ભૂલાવી નહીં શકું. ઈશ્વર તારા આત્માને શાંતિ આપે મમ્મી.’
આ સાથે પ્રિયાએ લોકોને અપીલ કરી છે કે, ‘સૌ નિયમોનું પાલન કરજો અને સાવચેતી રાખજો. આ વાઈરસ બહુ જ ખતરનાક છે.’
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ જવા માટે 19 મેએ મુંબઈમાં એકત્ર થશે. ક્વોરન્ટીન સમયગાળો વિતી ગયા બાદ ટીમ જૂનનાં પહેલા અઠવાડિયામાં દેશના પુરુષ ક્રિકેટરોની સાથે ઈંગ્લેન્ડ માટે રવાના થશે. મહિલા ટીમ ઈંગ્લેન્ડમાં સાત વર્ષમાં પહેલી જ વાર ટેસ્ટ મેચ રમશે. તે ઉપરાંત બંને ટીમ ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ અને ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ પણ રમશે.
ભારતની એક અન્ય મહિલા ક્રિકેટર વેદા કૃષ્ણમૂર્તિને પણ મોટું દુઃખ સહન કરવું પડ્યું છે. કોરોનાને કારણે એની માતા અને બહેનનું અવસાન થયું છે.