ભારતે 106 રને ઇંગ્લેન્ડને હરાવ્યું: સિરીઝ 1-1થી બરાબર

વિશાખાપટ્ટનમઃ ભારતે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 106 રને હરાવ્યું છે. ભારતની ક્રિકેટ ટીમે વિશાખાપટ્ટનમ ટેસ્ટના ચોથા દિવસે ટી બ્રેક પહેલાં ઇંગ્લેન્ડની ઇનિંગ્સને 292 રનો પર ખતમ કરી હતી. ઇંગ્લેન્ડને જીત માટે 399 રનોનું લક્ષ્ય મળ્યું હતું. આ જીત સાથે ભારતે સિરીઝમાં 1-1ની સિરીઝની બરાબરી કરી છે.

બીજી ટેસ્ટમાં બીજા સેશનમાં ઇંગ્લેન્ડે ચાર વિકેટ ગુમાવી હતી, એમાં જસપ્રીત બુમરાહે બે વિકેટ લીધી હતી. મુકેશકુમારને એક પણ વિકેટ મળી હતી. શ્રેયસ ઐયરે બેન સ્ટોક્સને રન આઉટ કર્યો હતો. અશ્વિને ત્રણ વિકેટ લીધી હતી.

ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ્સમાં જેક ક્રોલીએ સૌથી વધુ 73 રન બનાવ્યા હતા. આ પહેલાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે પહેલી ઇનિંગ્સમાં 396 રન બનાવ્યા હતા, જેમાં યશસ્વી જયસ્વાલે 209 રનોની શઆનદાર ઇનિંગ્સ રમી હતી. આ સાથે બીજી ઇનિંગ્સમાં ભારતે 255 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગ્સમાં 253 રન બનાવ્યા હતા.  જેથી ભારતને 143 રનોની લીડ મળી હતી.

ઈંગ્લેન્ડ તરફથી ઝેક ક્રેવલી સફળ બેટ્સમેન રહ્યો છે જેણે બન્ને ઈનિંગ્સમાં અડધી સદી (76 અને 73 રન) ફટકારી છે. જ્યારે બોલિંગમાં રેહાન અહેમદ સફળ બોલર રહ્યો છે જેણે બન્ને ઈનિંગ્સમાં મળીને 6 વિકેટ લીધી છે. આ સિવાય જેમ્સ એન્ડરસન 5 વિકેટ લેવામાં સફળ થયો છે.

હવે બંને ટીમો વચ્ચે 15-19મી ફેબ્રુઆરી વચ્ચે રાજકોટમાં ટેસ્ટ મેચ રમાશે. જે પછી 23મી શરુઆતનારી ટેસ્ટ રાંચીમાં અને 7મી માર્ચ રમાનારી પાંચમી ટેસ્ટ ધરમશાલામાં રમાશે.