નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાનો આગામી T20 કેપ્ન કોણ હશે? હાલ એ ક્રિકેટ જગતનો સૌથી ગરમ મુદ્દો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ ગઈ કાલે ટીમોની ઘોષણા કરવાનું હતું, પણ હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવમાંથી કેપ્ટન કોણ બનશે? એ વાતે સહમતી નહીં સધાતાં જાહેરાત એક દિવસ ટાળી દેવામાં આવી હતી. કેટલાય રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે 2024 T20 વર્લ્ડ કપ વિજેતા ટીમના વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માની જગ્યા લેશે, પણ જે સમાચાર આવ્યા એ આશ્ચર્યચકિત કરનારા છે. બીજા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સૂર્યકુમાર યાદવ નવા કેપ્ટન બનવા માટે સૌથી મોટો દાવેદાર છે.
ગંભીર અને જય શાહ વચ્ચે મતભેદ
બોર્ડના સેક્રેટરી જય શાહ ઇચ્છે છે કે હાર્દિક પંડ્યા T20 ટીમનું સુકાન સંભાળે. જોકે ગૌતમ ગંભીર એના માટે તૈયાર નથી. ગંભીર ઇચ્છે છે કે T20 ટીમની કેપ્ટનશિપ સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવે.આમ બંને વચ્ચે મતભેદ ચાલી રહ્યા છે. હાર્દિક વાંરવાર ઇજાગ્રસ્ત થાય છે અને વર્કલોડ મેનેજમેન્ટને કારણે ગંભીર નથી ઇચ્છતો હાર્દિક પંડ્યા કેપ્ટન બને, એમ રિપોર્ટ કહે છે.
ગંભીર ઇચ્છે છે કે સૂર્યાને કેપ્ટન બનાવવામાં આવે, જ્યારે શાહ હાર્દિકનું સમર્થન કરે છે. આજે શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાનું એલાન થાય એવી શક્યતા છે. હવે જોવાનું એ રહે છે કે કેપ્ટન મુદ્દે શાહની ઇચ્છા મુજબ નિર્ણય લેવામાં આવે છે કે નવા કોચ ગંભીરની જીત થાય છે.
T20 વિશ્વ કપ પછી રાહુલ દ્રવિડની જગ્યા લીધા પછી ગંભીરને શ્રીલંકા પ્રવાસમાં મુખ્ય કોચ તરીકે પહેલું એસાઇમેન્ટ હશે. આ શ્રીલંકા પ્રવાસ 27 જુલાઈએ ત્રણ મેચોની T20 સિરીઝની પહેલી મેચ સાથે શરૂ થશે.