કોલકાતાઃ મમતા બેનરજીએ સતત ત્રીજી મુદતમાં પશ્ચિમ બંગાળમાં સત્તાનાં સૂત્રો સંભાળી લીધાં છે. એમની ઓલ ઈન્ડિયા તૃણમુલ કોંગ્રેસ પાર્ટીએ હાલમાં જ યોજાઈ ગયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી હાંસલ કરી બતાવી છે. ગઈ કાલે રાજભવન ખાતે પાર્ટીનાં 43 વિધાનસભ્યોએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. બેનરજીનાં આ પ્રધાનમંડળમાં ભૂતપૂર્વ ક્રિકેટર મનોજ તિવારીનો પણ સમાવેશ થાય છે. 35 વર્ષીય જમોડી બેટ્સમેન અને લેગબ્રેક બોલર તિવારી ભારત વતી 12 વન-ડે ઈન્ટરનેશનલ મેચ અને 3 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો હતો. 119 પ્રથમ કક્ષાની મેચોમાં એણે 51.78ની સરેરાશ સાથે રન કર્યા હતા, જેમાં એક ટ્રિપલ સેન્ચુરી, 27 સેન્ચુરીનો સમાવેશ થાય છે. રણજી ટ્રોફીમાં એણે 90.95ની સરેરાશ સાથે રન બનાવ્યા હતા. હાવડામાં જન્મેલા મનોજ તિવારીએ 2020ના ફેબ્રુઆરીમાં તૃણમુલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો હતો અને પહેલા જ પ્રયાસમાં વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી છે અને પ્રધાનપદ પણ હાંસલ કર્યું છે. ગઈ કાલે એણે પણ અન્ય પ્રધાનોની સાથે શપથ લીધા હતા. તિવારીએ શિબપુર (હાવડા) બેઠક પર ભાજપના રતિન ચક્રવર્તીને 32,000થી વધારે મતોથી પરાજય આપ્યો હતો.
બેનરજીની આ વેળાની સરકારમાં 15 નવા ચહેરાં છે અને તિવારી એમાંનો એક છે. બેનરજીએ તિવારીને યુવાઓની બાબતો તથા ખેલકૂદનો હોદ્દો આપ્યો છે. તિવારીએ ટ્વિટરના માધ્યમથી મમતા બેનરજી અને એમનાં ભત્રિજા અભિષેક બેનરજી પ્રતિ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. પોતાને બંગાળની સેવા કરવાની તક આપવા બદલ એણે તેમનો આભાર માન્યો છે. ‘મારામાં વિશ્વાસ મૂકવા બદલ અને બંગાળની જનતાની સેવા કરવાની તક આપવા બદલ હું મારા ફેવરિટ દીદી મમતા બેનરજી અને મારા ભાઈ અભિષેક બેનરજીનો આભાર માનું છું,’ એણે તેણે લખ્યું છે. તિવારી આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ, કિંગ્સ ઈલેવન પંજાબ ટીમો વતી રમ્યો હતો.
This swearing-in ceremony has been an unprecedented experience for me. I would like to thank our favourite DIDI @MamataOfficial & my brother @abhishekaitc for having faith on me and giving this opportunity to serve the people of Bengal.
A new journey begins!#AITC #JoyBangla pic.twitter.com/WvbkfVrsSr
— MANOJ TIWARY (@tiwarymanoj) May 10, 2021