વિરાટ, રોહિત વિના ટીમ ઇન્ડિયા જુલાઈમાં શ્રીલંકા-પ્રવાસે જશે

કોલકાતાઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે ભારતીય ટીમના ટોચના ક્રિકેટરો વિના જુલાઈમાં સીમિત ઓવરોની સિરીઝ માટે શ્રીલંકાના પ્રવાસે જશે. કેપ્ટન વિરાટ કોહલી, સીમિત ઓવરોના ઉપ-કેપ્ટન રોહિત શર્મા જેવા મોટા ક્રિકેટરો આ પ્રવાસનો હિસ્સો નહીં હોય, કેમ કે તેઓ એ સમયે ઇંગ્લેન્ડની સામે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની તૈયારી કરી રહ્યા હશે.

ગાંગુલીએ કહ્યું હતું કે અમે જુલાઈમાં સિનિયર પુરુષ ટીમ માટે સીમિત ઓવરોની સિરીઝની યોજના બનાવી છે. જ્યાં તેઓ શ્રીલંકામાં T-20 આંતરરાષ્ટ્રીય  અને વનડે મેચ રમશે. ભારતની આ સફેદ બોલની એક્સપર્ટસની ટીમ હશે. એ ઇંગ્લેન્ડના પ્રવાસ પર ગયેલી ટીમથી અલગ હશે, એમ ગાગુલીએ કહ્યું હતું. ક્રિકેટ બોર્ડે પણ સીમિત ઓવરો માટે નિયમિત ક્રિકેટરોને ધ્યાનમાં રાખ્યા છે.

શ્રીલંકાના પ્રવાસમાં કમસે કમ પાંચ T-20 અને ત્રણ વનડે મેચો સિરીઝ રમાય એવી શક્યતા છે. આઈ પ્રવાસ 14 સપ્ટેમ્બરે પૂરો થશે અને IPLની બચેલી મેચો હજી રમાવાની છે. BCCI ઇચ્છે છે કે શિખર ધવન, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, યજુવેન્દ્ર સિંહ ચહલ જેવા ખેલાડીઓ મેચ માટે તૈયાર રહે છે.

જુલાઈમાં ભારતીય ટીમના ટોચના ક્રિકેટરોનું ઇંગ્લેન્ડથી આવવાનું સંભવ નહીં હોય, કેમ કે ત્યાંના ક્વોરોન્ટીન નિયમ ઘણા આકરા છે. સૂત્રએ કહ્યું હતું કે ટેક્નિકલ રીતે જુલાઈમાં સિનિયર ટીમને કોઈ સત્તાવાર મેચ નહીં રમે. ટેસ્ટ ટીમ આપસમાં મેચ રમીને ટીમ પ્રેક્ટિસ કરશે, એમ સૂત્રએ કહ્યું હતું.