રસીકરણ માટે સરકાર ‘એક-દેશ, એક-નીતિ’ રાખેઃ NCP, કોંગ્રેસ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શાસક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસે દેશમાં પ્રવર્તતી કોરોનાવાઈરસના ફેલાવાની પરિસ્થિતિને સંભાળવાના મુદ્દે આજે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે અને કહ્યું છે કે આ રોગચાળાનો સામનો કરવા માટે સરકાર ‘એક દેશ, એક નીતિ’ અપનાવે.

રાજ્યના અલ્પસંખ્યક લોકોને માટેના ખાતાના પ્રધાન અને એનસીપીના નેતા નવાબ મલિકે માગણી કરી છે કે નરેન્દ્ર મોદી કોરોના બીમારીની પરિસ્થિતિનો સામનો કરવા માટે કોઈ વ્યૂહ ઘડવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવે. કોરોનાવાઈરસને માત્ર જાહેરખબરો છપાવીને નાબૂદ કરી શકાશે નહીં અને એને બદલે ‘એક દેશ, એક નીતિ’ ઘડવાની જરૂર છે.

મહારાષ્ટ્રના મહેસુલ પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાળાસાહેબ થોરાતે કહ્યું છે કે કેન્દ્ર સરકારે તેના રસીકરણ કાર્યક્રમ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. લોકોને રસી આપવાના મામલે મોદીના સત્તાવાળાઓમાં સાચા આયોજનનો અભાવ છે. જે રીતે વિધાનસભાઓની ચૂંટણીઓ અને કુંભ મેળાનું આયોજન કરાયું એના પરિણામો આખો દેશ ભોગવી રહ્યો છે. આ માટે કેન્દ્ર સરકાર, તેની નેતાગીરી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ સંપૂર્ણપણે જવાબદાર છે.