આઈપીએલને ભૂલી જાવ; સૌરવ ગાંગુલીનો સૂચક સંકેત

મુંબઈઃ કોરોના વાઈરસના ફેલાવાએ સર્જેલા સંકટને કારણે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે હાલની પરિસ્થિતિ કોઈ પણ પ્રકારની રમતમાં સ્પર્ધા યોજવા માટે અનુકૂળ નથી એટલે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ લીગ સ્પર્ધાને પણ ભૂલી જાવ.

કોરોના વાઈરસ ભલે ફેલાયો છે તે છતાં આઈપીએલ સ્પર્ધા આ વર્ષે રમાશે જ એવું બીસીસીઆઈના અમુક અધિકારીએ કહેતા ખુદ પ્રમુખ ગાંગુલીએ આઈપીએલ સ્પર્ધા યોજવાનું શક્ય નથી એવું કહી દીધું છે.

એક અંગ્રેજી દૈનિકને આપેલી મુલાકાતમાં ગાંગુલીએ કહ્યું કે કોરોનાએ સર્જેલી પરિસ્થિતિ પર બીસીસીઆઈની ચાંપતી નજર છે અને હાલની પરિસ્થિતિ આઈપીએલ માટે અનુકૂળ નથી.

ગાંગુલીએ કહ્યું કે, અત્યારે વિમાનીમથકો બંધ છે, લોકોને એમના ઘરમાં જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે, ઓફિસો પણ બંધ છે, આખા દેશમાં લોકડાઉન લાગુ છે, કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ જઈ શકતી નથી. એવું લાગે છે કે આ પરિસ્થિતિ મે મહિનાના મધ્ય ભાગ સુધી ચાલશે. તો આવી સ્થિતિમાં તમે ખેલાડીઓ ક્યાંથી લાવશો?, ખેલાડીઓ કેવી રીતે પ્રવાસ કરશે? સાવ સાદી કોમનસેન્સની વાત છે કે હાલની પરિસ્થિતિ દુનિયામાં કોઈ પણ રમતમાં સ્પર્ધા યોજવા માટે અનુકૂળ નથી, એટલે આઈપીએલને તો ભૂલી જ જાવ.

2020ના વર્ષની આઈપીએલ સ્પર્ધા 29 માર્ચથી શરૂ થવાની હતી, પણ કોરોના વાઈરસના રોગચાળાને કારણે એને 15 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે. હવે જ્યારે મહારાષ્ટ્ર તથા અન્ય અમુક રાજ્યોએ પણ લોકડાઉનની મુદત 30 એપ્રિલ સુધી લંબાવી દીધી છે તેથી આઈપીએલ સ્પર્ધાનું મુલતવીપણું પણ અચોક્કસ મુદત સુધી લંબાશે.

સૌરવ ગાંગુલી આઈપીએલ બાબતે સોમવારે કદાચ સત્તાવાર રીતે જાહેરાત કરે એવી ધારણા છે.