ક્રિકેટર સ્મૃતિ મંધાનાઃ હું તો 10 કલાક ઊંઘું છું, ફિલ્મો જોઉં છું

મુંબઈઃ કોરોના વાઈરસના ફેલાવા સામે રક્ષણ મળે એ માટે ભારત સરકારે દેશભરમાં લોકડાઉન લાગુ કરાવ્યું છે, એનો આજે 20મો દિવસ છે. આને કારણે અનેક સેલિબ્રિટી વ્યક્તિઓને પણ પોતપોતાના ઘરમાં જ રહેવાની ફરજ પડી રહી છે. આ  સમયગાળામાં ઘણી જાણીતી હસ્તીઓ ઘરમાં સમય પસાર કરવા માટે જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે, જેમ કે કોઈ બાગકામ કરે છે, તો કોઈ રાંધતા શીખે છે, કોઈ યોગ-કસરતો કરે છે તો કોઈ સંગીતનો આનંદ માણે છે. એવાય ઘણાં છે જેઓ ઝાડુ કાઢીને કે વાસણ માંજીને ઘરકામમાં મદદ કરાવે છે તો કોઈક ઓનલાઈન લુડો ગેમ રમવાની મજા માણે છે.

મહિલા ક્રિકેટર અને ઓપનિંગ બેટ્સવુમન સ્મૃતિ મંધાનાએ પણ એનો રોજિંદો પ્લાન ઘડ્યો છે અને એ જાણકારીને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ઈન્ટરનેટ પર શેર કરી છે.

સ્મૃતિ લોકડાઉન દરમિયાન ઘરમાં આશરે 10 કલાક ઊંઘે છે. તે ઉપરાંત ફિલ્મો જુએ છે અને ઓનલાઈન લૂડો ગેમ પણ રમે છે.

સ્મૃતિએ પોતાનો આખા દિવસનો કાર્યક્રમ બતાવ્યો છે એને બીસીસીઆઈએ ઈન્ટરનેટ પર શેર કર્યો છે.

એક મિનિટ અને 38 સેકંડના વિડિયોમાં સ્મૃતિ કહે છે કે પોતે લોકડાઉન સમય દરમિયાન એની ટ્રેનિંગનું પણ એટલું જ ધ્યાન રાખે છે. ફિટ રહેવું બહુ જ મહત્ત્વનું છે. એટલે એ માટે પણ વ્યસ્ત રહું છું. હું મારાં ટ્રેનરના સંપર્કમાં રહું છું અને એની પાસેથી ફિડબેક લેતી રહું છું. તેઓ અમને બધી ખેલાડીઓને જણાવતા હોય છે કે અમારે ફિટ રહેવા માટે શું કરવું જોઈએ.

સ્મૃતિ વધુમાં કહે છે, બાકીનો સમય હું મારાં પરિવારની સાથે વિતાવું છે. અમે પત્તાં રમીએ છીએ. તે ઉપરાંત હું મારી મમ્મીને જમવાનું બનાવવામાં પણ મદદ કરું છું.

સ્મૃતિએ લોકોને અપીલ પણ કરી છે કે લોકડાઉન લાગુ છે તો સૌ ઘરમાં જ રહેજો અને સુરક્ષિત રહેજો તથા સ્વયંને શારીરિક અને માનસિક રીતે ફિટ રાખજો.