4 ઓક્ટોબરે મોદી સ્ટેડિયમમાં યોજાશે વર્લ્ડકપ-2023નો શાનદાર ઉદઘાટન સમારોહ

અમદાવાદઃ આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023નો આવતી પાંચ ઓક્ટોબરથી અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આરંભ થવાનો છે. તે દિવસે વર્તમાન ચેમ્પિયન્સ ઈંગ્લેન્ડ અને રનર્સ-અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાશે. પરંતુ, તેની પૂર્વસંધ્યાએ, 4 ઓક્ટોબરે સ્ટેડિયમમાં આ સ્પર્ધાનો ભવ્ય રીતે ઉદઘાટન સમારોહ યોજવાનું નક્કી કરાયું છે.

આ દિવસને ‘કેપ્ટન્સ ડે’ તરીકે ઓળખવામાં આવશે. ઉદઘાટન સમારોહ સાંજે સાત વાગ્યે શરૂ થશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે તે માટે પૂરી તૈયારીઓ કરી લીધી છે. બોલીવુડના અનેક સિતારાઓ મનોરંજન કરશે. કાર્યક્રમમાં પરફોર્મ કરનાર હસ્તીઓમાં અભિનેતા રણવીર સિંહ, ગાયિકા શ્રેયા ઘોષાલ, ગાયક અરિજીત સિંહ અને દંતકથાસમાન ગાયિકા આશા ભોસલેનો સમાવેશ થાય છે. ઉદઘાટન સમારોહ મંત્રમુગ્ધ કરનાર લેઝર શો, દિલધડક આતશબાજી અને ભારતીય સાંસ્કૃતિક વારસાની ઉજવણીનો સંગમ હશે. સમારોહ વખતે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ 10 ટીમના કેપ્ટનો હાજર રહેશે. જે લોકોએ પાંચમી ઓક્ટોબરની મેચની ટિકિટ ખરીદી હશે એમને ઉદઘાટન સમારોહ જોવા સ્ટેડિયમમાં હાજર રહેવાની પરવાનગી અપાશે.