ઈડન ગાર્ડન્સમાં ભારત સામે ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવા બાંગ્લાદેશ તૈયાર થયું

કોલકાતા – અહીંના ઈડન ગાર્ડન્સમાં આવતા મહિને (22 નવેંબરથી) ટીમ ઈન્ડિયા સામે પોતાની ટીમની રમાનાર બીજી ટેસ્ટ મેચને ડે-નાઈટ ટેસ્ટ મેચના રૂપમાં રમવા માટે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) સહમત થયું છે. બંને ટીમ માટે આ પહેલી જ ડે-નાઈટ ટેસ્ટ મેચ હશે.

બાંગ્લાદેશ ટીમના કોચ રસેલ ડોમિંગોએ કહ્યું છે કે ઈડન ગાર્ડન્સમાં ભારત સામે રમવાની અમને મોટી તક સાંપડી છે. એ મેચ પણ બહુ મોટી હશે, કારણ કે ભારત પણ હજી સુધી ડે-નાઈટ ટેસ્ટ મેચ રમ્યું નથી. બંને ટીમ માટે એ નવો જ અનુભવ હશે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પહેલી ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાડવાનું શક્ય બનાવનાર છે બીસીસીઆઈના નવા પ્રમુખ સૌરવ ગાંગુલી.

ડોમિંગોએ એમ પણ કહ્યું છે કે ડે-નાઈટ ટેસ્ટ મેચ અમારા ખેલાડીઓ માટે એક મોટો પડકાર હશે. અમારા કેટલાક ખેલાડીઓને થોડોક સંદેહ હતો, પણ હવે અમે સૌ રોમાંચિત છીએ. એ મેચમાં કઈ બ્રાન્ડના બોલથી રમવાનું આવશે એની અમને હજી જાણકારી નથી. વળી, એ મેચ રમવાની તૈયારી કરવામાં પણ અમારી પાસે ઓછો સમય છે તે છતાં અમે એ રમવા માટે રોમાંચિત છીએ.

ભૂતપૂર્વ કેપ્ટન ગાંગુલી બીસીસીઆઈના પ્રમુખ બન્યા બાદ ગયા ગુરુવારે મુંબઈમાં આવ્યા હતા ત્યારે કેપ્ટન વિરાટ કોહલી સાથે વાતચીત કરી હતી અને ત્યારે જ એમણે કોહલી સાથે ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવા વિશે વાતચીત કરી હોવાનું મનાય છે.

કોહલી અગાઉ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવા માટે તૈયાર નહોતો. ભારતીય ટીમ જ્યારે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી ત્યારે એડીલેડમાં ગુલાબી રંગના બોલ વડે ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવાની ઓસ્ટ્રેલિયાએ બે વાર ઓફર કરી હતી, પણ ભારતીય ટીમે ના પાડી હતી.

એવી જ રીતે, ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામે પણ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવાની હિલચાલ થયેલી ત્યારે પણ કોહલીએ ના પાડી દીધી હતી.

બીજી બાજુ, ગુલાબી રંગના બોલથી ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવાની ગાંગુલી કાયમ તરફેણ કરતા આવ્યા છે. 2016-17માં એ જ્યારે બીસીસીઆઈની ટેકનિકલ કમિટીના વડા હતા ત્યારે પણ એમણે ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવાની તરફેણ કરી હતી. એમણે તો એવી ભલામણ કરી હતી કે ભારતમાં સ્થાનિક સ્પર્ધાઓ પણ ફ્લડ લાઈટ્સ હેઠળ રમાડવી જોઈએ.

બાંગ્લાદેશની ટીમ ભારતના પ્રવાસ દરમિયાન 3 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ અને બે ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે.

પહેલાં ટ્વેન્ટી-20 મેચો રમાશે. પહેલી મેચ 3 નવેંબરે દિલ્હીમાં રમાશે. બીજી 7 નવેંબરે રાજકોટમાં અને ત્રીજી તથા છેલ્લી મેચ 10 નવેંબરે નાગપુરમાં રમાશે.

ત્યાર બાદ બંને ટીમ વચ્ચે બે ટેસ્ટ મેચ રમાશે. પહેલી મેચ 14 નવેંબરથી ઈન્દોરમાં અને બીજી તથા છેલ્લી મેચ કોલકાતામાં 22 નવેંબરથી ઈડન ગાર્ડન્સમાં રમાશે.

ભારતે ટ્વેન્ટી-20 સિરીઝ માટે વિરાટ કોહલીને આરામ આપ્યો છે અને એની જગ્યાએ ટીમનું સુકાન રોહિત શર્માને સોંપ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]