ઈડન ગાર્ડન્સમાં ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવાની બાંગ્લાદેશને BCCIની વિનંતી

કોલકાતા – બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)એ અહેવાલોને સમર્થન આપ્યું છે કે તેની ટીમના આગામી ભારત પ્રવાસ દરમિયાન બંને ટીમ અહીંના ઈડન ગાર્ડન્સ મેદાન પર એક ડે-નાઈટ ટેસ્ટ મેચ રમે એવી એને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ વિનંતી કરી છે.

બીસીબીએ કહ્યું છે કે તે એના ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટ સાથે આ સંદર્ભમાં ચર્ચા કરીને પોતાનો નિર્ણય બીસીસીઆઈને જણાવશે.

બાંગ્લાદેશની ટીમ ભારતના પ્રવાસ દરમિયાન 3 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ અને બે ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે.

પહેલાં ટ્વેન્ટી-20 મેચો રમાશે. પહેલી મેચ 3 નવેંબરે દિલ્હીમાં રમાશે. બીજી 7 નવેંબરે રાજકોટમાં અને ત્રીજી તથા છેલ્લી મેચ 10 નવેંબરે નાગપુરમાં રમાશે.

ત્યાર બાદ બંને ટીમ વચ્ચે બે ટેસ્ટ મેચ રમાશે. પહેલી મેચ 14 નવેંબરથી ઈન્દોરમાં અને બીજી તથા છેલ્લી મેચ કોલકાતામાં 22 નવેંબરથી ઈડન ગાર્ડન્સમાં રમાશે.

ભારતે ટ્વેન્ટી-20 સિરીઝ માટે વિરાટ કોહલીને આરામ આપ્યો છે અને એની જગ્યાએ ટીમનું સુકાન રોહિત શર્માને સોંપ્યું છે.

બીસીબીના ચીફ એક્ઝિક્યૂટિવ નિઝામદ્દીન ચૌધરીએ કહ્યું છે કે ડે-નાઈટ ટેસ્ટ મેચ સંપૂર્ણપણે ટેકનિકલ બાબત છે. ટેસ્ટ મેચ ફ્લડલાઈટ્સ નીચે અને ગુલાબી રંગના બોલથી રમાય છે. આ પ્રકારની મેચ રમવા માટે પોતાના ખેલાડીઓ એકદમ તાલીમબદ્ધ અને સુસજ્જ હોવા જોઈએ. આ પ્રકારની મેચ રમવા માટે એમને લાંબા સમય સુધી પ્રેક્ટિસ કરવી પડે, કારણ કે સાવ જુદા જ પ્રકારની પરિસ્થિતિમાં એડજસ્ટ થવું પડે છે.

ઉલ્લેખનીય છે કે, ભારત અને બાંગ્લાદેશ, બંનેએ અગાઉ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવા સામે ના પાડી હતી. તે ઓફર ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]