અમદાવાદઃ આવતીકાલથી ભારતમાં આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ સ્પર્ધાનો શુભારંભ થશે. પ્રારંભિક મેચમાં વર્તમાન ચેમ્પિયન્સ ઈંગ્લેન્ડ અને ગઈ વેળાની રનર્સ-અપ ટીમ ન્યૂઝીલેન્ડ વચ્ચે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુકાબલો થશે. સ્પર્ધાની પૂર્વસંધ્યાએ સ્પર્ધાની તમામ 10 ટીમના કેપ્ટનોનું આજે બપોરે અહીં એક જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેને ‘કેપ્ટન્સ ડે’ નામ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતના રોહિત શર્મા, ઈંગ્લેન્ડના જોસ બટલર, દક્ષિણ આફ્રિકાના ટેમ્બા બવૂમા, ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ, નેધરલેન્ડ્સના સ્કોટ એડવર્ડ્સ, ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસન, અફઘાનિસ્તાનના હશ્મતુલ્લાહ શાહિદી, પાકિસ્તાનના બાબર આઝમ, શ્રીલંકાના દસુન શાનકા અને બાંગ્લાદેશના શાકિબ અલ હસને હાજરી આપી હતી. કાર્યક્રમનું સંચાલન ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અને ટીવી કોમેન્ટેટર રવિ શાસ્ત્રીએ કર્યું હતું.
બધા કેપ્ટનોએ પોતપોતાનાં વિચારો રજૂ કર્યા હતા. ત્યારબાદ સવાલ-જવાબ સત્ર થયું હતું. પત્રકારોએ સવાલ પૂછ્યા હતા તેમજ આમંત્રિત દર્શકોને પણ કેપ્ટનોને સવાલ પૂછવાની પરવાનગી આપવામાં આવી હતી.
એક સવાલના જવાબમાં બાબર આઝમે કહ્યું કે, ‘ભારતમાં અમારું ખૂબ જ સરસ સ્વાગત કરવામાં આવ્યું છે. આટલા બધા સરસ સ્વાગતની અમે અપેક્ષા રાખી નહોતી. અમારી ટીમનો દરેક સભ્ય ખુશ છે. અમે ભારતમાં આવ્યા છીએ એવું લાગતું જ નથી. જાણે અમારા ઘરઆંગણે છીએ એવું લાગે છે. હૈદરાબાદમાં અમારું જે સ્વાગત કરવામાં આવ્યું તેનાથી અમે બહુ જ ખુશ થયા છીએ. વિશ્વ કપ સ્પર્ધા રમવા માટે અમે સજ્જ છીએ. અમારી મુખ્ય તાકાત બોલિંગ છે. ભારત-પાકિસ્તાન મુકાબલો કાયમ જંગી હોય છે. અમે પણ ભારતીય ટીમ સામે આવતી 14 ઓક્ટોબરે (અમદાવાદમાં) રમવા માટે ઉત્સૂક છીએ.’
રવિ શાસ્ત્રીએ જ્યારે રમૂજમાં પૂછ્યું કે, ‘બાબર તમને સૌને હૈદરાબાદી બિરયાની કેવી લાગી?’ ત્યારે બાબર હસી પડ્યો હતો અને કહ્યું, ‘હું તો 100 વાર કહી ચૂક્યો છું, બહુ સરસ હતી. મેં સાંભળ્યું હતું કે હૈદરાબાદી બિરયાની સરસ હોય છે અને અમને એ બહુ જ ભાવી છે.’