એશિયા કપમાં 2 સપ્ટેમ્બરે કેન્ડીમાં ભારત-પાક મુકાબલો

મુંબઈઃ આગામી ODI એશિયા કપ-2023 સ્પર્ધામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે શ્રીલંકાના કેન્ડી શહેરમાં મુકાબલો થશે. સ્પર્ધા 30 ઓગસ્ટથી શરૂ થવાની છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના પ્રમુખ અને બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે સ્પર્ધાના કાર્યક્રમની આજે ટ્વિટરના માધ્યમથી જાહેરાત કરી છે.

પાકિસ્તાન-શ્રીલંકાના સંયુક્ત આયોજનવાળી એશિયા કપની પહેલી મેચ પાકિસ્તાનના મુલ્તાનમાં રમાશે જેમાં પાકિસ્તાન અને નેપાળ વચ્ચે સામનો થશે. છ-ટીમના સમાવેશવાળી આ સ્પર્ધાની ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાશે. સ્પર્ધામાં કુલ 13 મેચો રમાશે. બધી મેચ ભારતીય સમય મુજબ બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. ગ્રુપ-Aમાં ભારત, પાકિસ્તાન અને નેપાળ છે જ્યારે ગ્રુપ-Bમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન છે. બંને ગ્રુપમાંથી ટોચની બે ટીમ સુપર-4 તબક્કામાં જશે અને તેમાંની ટોચની બે ટીમ ફાઈનલમાં રમશે. પાંચ ઓક્ટોબરથી ભારતમાં ODI વર્લ્ડ કપ સ્પર્ધા શરૂ થશે.

આ વખતની એશિયા કપ સ્પર્ધા એકલા પાકિસ્તાનમાં જ યોજાવાની હતી, પરંતુ ભારતે પોતાની ટીમને સુરક્ષાના મુદ્દે તે દેશમાં મોકલવાનો ઈનકાર કરતાં સ્પર્ધાને બે દેશ – પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે વહેંચી દેવામાં આવી છે.