આઈસીસી વર્લ્ડકપ-2023નો પ્રોમોઃ શાહરૂખનો સ્વર, દિગ્ગજોની ઝલક

મુંબઈઃ આ વર્ષના ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનાર આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ પૂર્વે સ્પર્ધાનો એક નવો પ્રચારક વીડિયો ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) અને બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ)એ સાથે મળીને બહાર પાડ્યો છે.

વર્લ્ડ કપ-2023ની પહેલી મેચ રમાવાને આડે હજી 77 દિવસ બાકી છે ત્યારે આઈસીસી, બીસીસીઆઈએ ‘ઈટ ટેક્સ વન ડે’ શિર્ષક સાથેનો કેમ્પેન વીડિયો બહાર પાડ્યો છે. આ પ્રમોશનલ વીડિયો ફિલ્મમાં બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને પણ સામેલ કરવામાં આવ્યો છે. તદુપરાંત, જેપી ડુમિની, શુભમન ગિલ, દિનેશ કાર્તિક, વર્તમાન વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઓઈન મોર્ગન (ઈંગ્લેન્ડ) મુથૈયા મુરલીધરન, જોન્ટી રોડ્સ અને જેમિમા રોડ્રિગ્સની ઝલક જોવા મળે છે.

પાંચમી ઓક્ટોબરે વર્લ્ડ કપની પ્રારંભિક મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જેમાં ગઈ વેળાના ચેમ્પિયન્સ ઈંગ્લેન્ડ અને રનર્સ-અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. આ જ મેદાન પર 15 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો નિર્ધારિત છે.