નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા સૌપ્રથમ વાર એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહી છે. વર્લ્ડ કપ 2023માં પણ હવે બે મહિનાથી ઓછો સમય બચ્યો છે. પાંચ સપ્ટેમ્બરે બધી ટીમોનું એલાન થવાનું છે, પરંતુ ટીમ ઇન્ડિયાની ચિંતા એ છે કે વર્લ્ડ કપમાં પ્લેઇંગ 11માં કયા ક્રિકેટરને જગ્યા આપવી? ટીમ ઇન્ડિયા પોતાના ‘ગબ્બર’ ક્રિકેટરને મિસ કરીને ક્યાંક મોટી ભૂલ તો નથી કરી રહી? કેમ કે એશિયન ગેમ્સમાં પણ શિખર ધવનની અવગણના કરવામાં આવી હતી.
પસંદગીકર્તાઓએ સિનિયર બેટ્સમેન શિખર ધવનને નજરઅંદાજ કરી રહ્યા છે, કેમ કે શિખર ધવન લાંબા સમયથી ટીમથી દૂર છે. ટીમ ઇન્ડિયાના ‘ગબ્બર’ શિખર ધવનનો રેકોર્ડ ઘણો સારો છે. વર્લ્ડ કપની ટીમ માટે પણ તેની અવગણના કરવામાં આવે એવી શક્યતા છે. ધવન એવો બેટ્સમેન છે, જે ટીમમાં હોવાથી ટીમ ઇન્ડિયાને લાભ જ લાભ છે. આવો જાણીએ શિખર વર્લ્ડ કપની ટીમમાં કેમ હોવો જોઈએ?
શિખર ધવનને ઇન્ટરનેશનલ ક્રિકેટનો 10 વર્ષથી વધુનો અનુભવ છે. તેણે 2010માં ડેબ્યુ કર્યું હતું. તેની મદદથી ટીમ ઇન્ડિયા ઘણી મેચો જીતી છે. વળી, તેણે ICC ઇવેન્ટમાં હંમેશાં સારો દેખાવ કર્યો છે. તેનો રેકોર્ડ જબરદસ્ત છે. તેણે 2013 અને 2017ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 10 મેચ રમી હતી, જેમાં તેણે 77.88ની સરેરાશથી 701 રન બનાવ્યા હતા. તેના નામે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ત્રણ સદી અને ત્રણ અર્ધસદી છે. એ સિવાય 2015 અને 2019- બંને વર્લ્ડ કપ મળીને ધવને 10 મેચમાં 53.70ની સરેરાશે 537 રન બનાવ્યા છે. વનડે વર્લ્ડ કપમાં તેણે ત્રણ સદી અને એ ફિફ્ટી ફટકાર્યા છે.