ચોથા નંબર પર કોને રમાડવો તે સમસ્યા છેઃ રોહિતનો એકરાર

મુંબઈઃ યૂવરાજ સિંહ નિવૃત્ત થયો તે પછી ભારતની વન-ડે ઈન્ટરનેશનલ ટીમમાં મહત્ત્વના એવા ચોથા ક્રમે બેટિંગ માટે યોગ્ય બેટર હજી સુધી મળ્યો નથી. આ નંબર પર સેટ થવામાં કોઈ બેટર સફળ થયો નથી, એમ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ આજે જણાવ્યું છે. એશિયા કપ અને વર્લ્ડ કપ સ્પર્ધાઓ પૂર્વે તેણે આ મુદ્દે પોતાની ચિંતા વ્યક્ત કરી છે.

50-ઓવરોવાળી વર્લ્ડ કપ-2023 આડે હવે માત્ર બે જ મહિના બાકી રહ્યા છે ત્યારે ટીમ ઈન્ડિયા ચોથા ક્રમ માટે યોગ્ય બેટરને શોધવામાં હજી ઝઝૂમી રહી છે. આ સમસ્યા 2019માં ઈંગ્લેન્ડમાં રમાઈ ગયેલી વર્લ્ડ કપ વખતે પણ ભારતીય ટીમને નડી હતી. ‘શ્રેયસ ઐયર 20 મેચોમાં ચોથા ક્રમે રમ્યો હતો અને સારો દેખાવ કર્યો હતો. એણે 47.35ની સરેરાશ સાથે 805 રન કર્યા હતા અને બે સદી તથા પાંચ અડધી સદી પણ ફટકારી હતી. પરંતુ ઈજાને કારણે એ લાંબા સમયથી ટીમની બહાર છે, કે.એલ. રાહુલ વિકેટકીપર-બેટર તરીકે પાંચમા ક્રમના બેટર તરીકે ટીમનો વિકલ્પ બન્યો છે. ચોથા ક્રમે ઘણા બેટર આવ્યા અને રમી ગયા, પરંતુ અમુક ઈજાઓને કારણે અનુપલબ્ધ થયા તો અમુક ફોર્મ ગુમાવી બેઠા. હું ઈચ્છું છું કે અમને કેટલાક એવા ખેલાડીઓ મળે જે એશિયા કપમાં દબાણની પરિસ્થિતિમાં ઝળકી શકે,’ એમ રોહિતે વધુમાં કહ્યું છે.