વિપક્ષનો ‘અવિશ્વાસ પ્રસ્તાવ’ અમારા માટે શુભઃ PM મોદી

નવી દિલ્હીઃ સંસદમાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ત્રીજા દિવસે જોરદાર ચર્ચા જારી છે. સંસદને સંબોધતાં વડા પ્રધાન મોદીએ વિપક્ષને આડે હાથ લીધો હતો. તેમણે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને સરકાર માટે શુભ જણાવતાં કહ્યું હતું કે એ નક્કી થઈ ગયું છે કે 2024માં અમારી ભવ્ય સરકાર બનવાની છે. તેમણે વિપક્ષના ગઠબંધનને INDIA નહીં, પણ ઘમંડિયા ગઠબંધન ગણાવ્યું હતું. અહીં દરેક જણ વર બનવા ઇચ્છે છે. વડા પ્રધાનના સંબોધન પછી વિપક્ષે વોકઆઉટ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે દેશની જનતાએ અમારી સરકાર પ્રત્યે વારંવાર જે વિશ્વાસ દાખવ્યો છે, એ માટે હું દેશના કરોડો નાગરિકોનો આભાર વ્યક્ત કરું છું. આ અવિશ્વાસ સરકારનો ફ્લોર ટેસ્ટ નથી, બલકે એ તેમનો ફ્લોર ટેસ્ટ છે. જનતાના આશીર્વાદથી ફરીથી અમારી સરકાર બનશે. રાજકારણ મારા માટે પ્રાથમિકતા છે, તમે કેટલાંય મહત્ત્વનાં બિલો પર ચર્ચા નથી કરી. વિપક્ષને દેશના યુવાઓના ભવિષ્યની ચિંતા નથી, પણ પોતાના રાજકીય ભવિષ્યની ચિંતા છે. દેશની જનતાએ જે કામ માટે મોકલ્યા છે, એ તેમની સાથે વિશ્વાસઘાત છે. વિપક્ષના આચરણ, વ્યવહારથી સિદ્ધ થયું છે કે તેમના માટે દેશથી વધુ પક્ષ છે, દેશથી પહેલાં પ્રાથમિકતા પક્ષની છે. તેમને ગરીબની ભૂખની ચિંતા નથી, પણ સત્તાની ભૂખ સવાર છે, એમ તેમણે કહ્યું હતું.

‘गुड़ का गोबर करने में माहिर हैं अधीर रंजन: PM

તેમણે કોંગ્રેસના રંજન ચૌધરી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે અધીરની સાથે શું થયું? તેમને બોલવા માટે વધુ સમય અપાયો તો પણ તેમણે ગોળનું ગોબર કર્યું. અમે અધીર બાબુ પ્રત્યે પૂરી સંવેદના વ્યક્ત કરીએ છીએ. તેમણે કહ્યું હતું કે વિપક્ષના લોકોને અવિશ્વાસ છે, જે સચ્ચાઈ વિશ્વ દૂરથી જોઈ રહ્યું છે, પણ આ લોકો અહીં રહીને એને નથી જોઈ રહ્યા.

તેમણે રાહુલ ગાંધી પર હુમલો કરતાં કહ્યું હતું કે તેમના સપનામાં પણ 24 કલાક મોદી જ આવે છે. પરિવારવાદનું નુકસાન સામાન્ય જનતાએ ભોગવવું પડે છે. ગાંધી, પટેલ, આંબેડકર, રાજેન્દ્ર પ્રસાદ અને લોહિતાએ પરિવારવાદનો વિરોધ કર્યો હતો.