નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિક્સ-2020માં જેવેલીન થ્રો રમતમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ સર્જનાર નીરજ ચોપરા તથા અન્ય મેડલવિજેતાઓ તેમજ ભારતીય ઓલિમ્પિક સંઘના અન્ય સભ્યો ટોક્યોથી આજે સાંજે અહીંના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે. તમામ એથ્લીટ્સનું એરપોર્ટ પર હજારોની સંખ્યામાં હાજર રમતપ્રેમીઓએ હર્ષનાદો કરીને સ્વાગત કર્યું હતું. વિશેષ કરીને નીરજ ચોપરા આવી પહોંચતાં લોકોનાં ટોળાંએ ‘ભારત માતા કી જય’ નારા લગાવ્યા હતા.
નીરજ ચોપરાની ઝલક જોવા માટે લોકોએ પડાપડી કરી હતી. લોકોનાં ટોળામાંથી નીરજ જેમતેમ કરીને એરપોર્ટની બહાર ઊભી રખાયેલી પોતાની કારમાં જઈને બેઠો હતો. ઓલિમ્પિક ગેમ્સમાં વ્યક્તિગત હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ માત્ર બીજો જ ભારતીય છે. પહેલો ભારતીય છે અભિનવ બિન્દ્રા, જેમણે શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વખતની ઓલિમ્પિક ગેમ્સમાં ભારતે કુલ સાત મેડલ જીત્યા છે. એક સુવર્ણ, બે રજત અને ચાર કાંસ્ય.