માતાના હાથનું બનેલું ખાવાની રાહ હવે નહીં: નીરજ ચોપરા

નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું નામ ઊંચું કરીને બધા મેડલવીરો અને અન્ય ખેલાડીઓ પરત ફર્યા છે અને તેમનું ભવ્ય સન્માન દિલ્હીની અશોકા હોટલમાં સાંજે 6.30 કલાકે કરવામાં આવશે. સુપરસ્ટાર એથ્લીટ નીરજ ચોપડાએ ટોક્યો ઓલિમ્પિકમાં ઇતિહાસ રચીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ ચોપડાએ ભારતને 13 વર્ષ પછી ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે.

સુપરસ્ટાર ભાલા ફેંક નીરજ ચોપડા ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર માત્ર બીજો ભારતીય બની ગયો છે. હરિયાણામાં પાણીપતની પાસે ખંડરા ગામના એક ખેડૂતના 23 વર્ષીય પુત્રએ ભાલા ફેંકની ફાઇનલમાં 87.58 મીટરે ભાલો ફેંકીને વિશ્વને ચોંકાવી દીધું હતું અને ઓલિમ્પિકમાં ટ્રેક અને ફીલ્ડ મેડલમાં ભારતનાં 100 વર્ષની રાહને પૂરી કરી દીધી હતી.

હું જ્યારે મેડલ જીત્યો એ ક્ષણોને હું મારા શબ્દોમાં એનું વર્ણન નથી કરી શકતો. એ ગર્વની ક્ષણ હતી, જ્યારે રાષ્ટ્રગીત વાગી રહ્યું હતું. આવનારા સમયમાં એથ્લેટિક્સ વધુ સારું પ્રદર્શન કરશે, હું મારા મેડલની ઉજવણી ઘરે જઈને કરીશ, હવે હું મારી માતાના હાથનું બનેલું ખાવા માટે રાહ નથી જોઈ શકતો, એમ નીરજે કહ્યું હતું.

મેં મારો મેડલ મિલ્ખા સિંહને અર્પણ કર્યો છે. તેમણે કહ્યું હતું કે ભારતીયોએ ઓલિમ્પિકમાં જરૂર જવું જોઈએ અને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું જોઈએ. તેઓ આપણી વચ્ચે નથી, પણ તેમના સપનાને સાકાર કર્યું છે.