બેંગલુરુઃ ભારતના પુરુષ ક્રિકેટરોની ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ એમના નમ્ર સ્વભાવ માટે જાણીતા છે. ક્રિકેટર તરીકે તેમણે મિસ્ટર ડિપેન્ડેબલ, ધ વોલ જેવા ઉપનામ મેળવ્યા હતા. ક્રિકેટર તરીકે દ્રવિડ ભારત વતી 164 ટેસ્ટ મેચ અને 344 વન-ડે ઈન્ટરનેશનલ મેચો રમ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં એમણે 13,288 રન અને વન-ડે ક્રિકેટમાં 10,889 રન કર્યા હતા. પરંતુ આ દ્રવિડ કેટલા કરોડની સંપત્તિના માલિક છે એની તમને ખબર છે? એમનો પગાર કેટલો છે અને એમના સંગ્રહમાં કઈ કઈ વૈભવશાળી કાર છે એની તમને ખબર છે?
દ્રવિડની નેટ વર્થ કેટલી છે?
એક અહેવાલ અનુસાર, રાહુલ દ્રવિડ પાસે 4 કરોડ ડોલરની સંપત્તિ છે. ભારતીય ચલણમાં આ આંકડો 320 કરોડ રૂપિયા થાય. એ દર મહિને લગભગ એક કરોડ રૂપિયા કમાય છે. એમની વાર્ષિક આવક 12 કરોડ રૂપિયા છે. વ્યક્તિગત કોચિંગ અને જાહેરખબરોમાં કામ કરવાથી થતી આવક અલગ. ટીમ ઈન્ડિયાના હેડ કોચ બન્યા એ પહેલા દ્રવિડ અન્ડર-19 ટીમના કોચ હતા. એ વખતે એમનો વાર્ષિક પગાર પાંચ કરોડ રૂપિયા હતો. તેઓ નેશનલ ક્રિકેટ એકેડેમીના પ્રમુખ પણ હતા. એ માટે તેમને દર મહિને રૂ. 60 લાખનો પગાર મળતો હતો.
આ ઉપરાંત બીસીસીઆઈ સાથેના કરાર, મેચ ફી અને પુરસ્કારો દ્વારા મળતા પૈસા અલગ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તેઓ આઈપીએલ ટીમના કોચ પણ હતા. તે ઉપરાંત એમણે કોમેન્ટરી પણ આપી હતી. એમાંથી પણ એમણે સારી એવી કમાણી કરી હતી. રાહુલ દ્રવિડને લક્ઝરિયસ મોટરકારો વસાવવાનો પણ મોટો શોખ રહ્યો છે. એમના કાર કલેક્શનમાં મર્સિડીઝ બેન્ઝ, બીએમડબલ્યૂ 5-સીરિઝ, લેમ્બોર્ગિની અને ઓડી-ક્યૂ 5 કારનો સમાવેશ થાય છે. મધ્ય પ્રદેશના ઈન્દોરમાં જન્મેલા અને કર્ણાટકના બેંગલુરુમાં વસવાટ કરનાર દ્રવિડ બેંગલુરુના ઈન્દિરા નગર મોહલ્લામાં આલિશાન બંગલો ધરાવે છે જેની કિંમત આશરે 4 કરોડ રૂપિયા છે.