ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની આંતરિક ફૂટ ખતમ થતી નથી દેખાતી. હજી પાકિસ્તાન કબજાવાળા કાશ્મીરમાં લોકોના બળવાની આગ ઠરી નથી કે પાકિસ્તાનનાં બે રાજ્ય હવે આમનેસામને આવી ગયાં છે. ખાસ વાત એ છે કે આ બંને રાજ્યોમાં જે પાર્ટીઓ સત્તામાં છે, એ બંને ત્યાંની કેન્દ્ર સરકાર એટલે કે શાહબાઝ શરીફની સરકારના ગઠબંધનનો ભાગ છે. બંને પાર્ટીઓ વચ્ચેનો મતભેદ એ સ્તર સુધી પહોંચી ગયો છે કે શાહબાઝ સરકાર પર સંકટ ઊભું થવાની શક્યતા છે. રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ સોમવાર છઠ્ઠી ઓક્ટોબરે ગૃહમંત્રી મોહસિન નકવીને તરત જ બેઠક માટે કરાચી બોલાવ્યા છે.
સિંધ અને પંજાબમાં કેમ મચી કલહ?
પાકિસ્તાનના પંજાબમાં બંને પાર્ટીઓ — PPP અને PML-N — વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી પૂરના વળતરની ચુકવણીથી લઈને ચોલિસ્તાન કેનાલ પ્રોજેક્ટના સંદર્ભમાં પાણીના હક જેવા મુદ્દાઓ પર મૌખિક યુદ્ધ ચાલી રહ્યું છે. સિંધમાં સરકાર ચલાવી રહેલી PPP ખાસ કરીને પંજાબની મુખ્ય પ્રધાન મરિયમ નવાઝનાં નિવેદનોથી નારાજ છે, જેમની પાર્ટી PML-N કેન્દ્ર સરકારનું નેતૃત્વ પણ કરી રહી છે. મરિયમ નવાઝ, વડા પ્રધાન શહબાઝ શરીફની ભાણી અને ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પુત્રી છે.
બંને પાર્ટીઓ વચ્ચેનો મૌખિક વિવાદ શરૂઆતમાં પૂરના વળતરને લઈને શરૂ થયો હતો, પરંતુ બાદમાં સિંધુ નદીના પાણીના હક સુધી પહોંચી ગયો. મુખ્ય પ્રધાન મરિયમે તો PPPના નેતૃત્વને કહી દીધું કે તેઓ પોતાની સલાહ પોતાની પાસે જ રાખે. તેના જવાબમાં PPPના સાંસદોએ આ નિવેદનનો વિરોધ નોંધાવતાં ગયા અઠવાડિયે સંસદીય કાર્યવાહીથી દૂર રહેવાનો નિર્ણય લીધો. બે રાજ્યો અને બે પાર્ટીઓ વચ્ચેના આ વિવાદને કારણે હવે પોતે શહબાઝ સરકાર જ સંકટમાં આવી ગઈ છે.
