નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે દિલ્હીમાં પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સામે થયેલી પોલીસ કાર્યવાહી અંગે મંગળવારે કેન્દ્ર સરકાર પર તીખા પ્રહાર કર્યા હતા. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ મામલે PM મોદીએ વિદ્યાર્થીઓ પાસે માફી માગવી જોઈએ.
તેમણે કહ્યું હતું કે અમે લોકસભા અધ્યક્ષને મળ્યા અને આ મુદ્દા પર ચર્ચા કરવાની માગ કરી. તેના જવાબમાં અધ્યક્ષે કહ્યું કે તેમને સરકાર સાથે વાત કરવી પડશે.
સરકાર પર રાહુલ ગાંધીનો આકરો હુમલો
તેમણે આરોપ લગાવ્યો હતો કે વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરવામાં આવી, છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હજુ સુધી આ ઘટનાને લઈને માફી માગી નથી. તેમણે કહ્યું હતું કે આ યુવાનો શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષા પ્રણાલી અંગે વિરોધ કરી રહ્યા છે. તેઓ જે કહી રહ્યા છે તેમાં કંઈ ખોટું નથી. અમે પણ એ જ વાત કહી રહ્યા છીએ. તેમણે વધુમાં કહ્યું હતું કે વિદ્યાર્થીઓ સાથે જે પ્રકારનો વ્યવહાર કરવામાં આવ્યો તે ખોટો છે. મુદ્દો એ છે કે દેશના યુવાનો સાથે આવું વર્તન કરી શકાય નહીં. યુવાનો પાસે તકો નથી, તેમના માટે બધા દરવાજા બંધ થઈ ગયા છે. માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાઓનો એક રસ્તો બચ્યો હતો, તે પણ બરબાદ થઈ ગયો છે. આ વિદ્યાર્થીઓ માત્ર શિક્ષણ વ્યવસ્થાની નહીં, પરંતુ પોતાના ભવિષ્યની ફરિયાદ કરી રહ્યા છે.
देश का छात्र कह रहा है – “हमारा कोई भविष्य नहीं।”
और इस सरकार के मंत्री कह रहे हैं – “हमारी कुर्सी नहीं जाएगी।”जिस देश में छात्र भविष्य खो दे और मंत्री कुर्सी न खोए – वहां न्याय है ही नहीं। pic.twitter.com/vauIGwPdOS
— Rahul Gandhi (@RahulGandhi) July 21, 2026
RSSએ શિક્ષણ વ્યવસ્થા પર કબજો કરી લીધો
તેમણે આરોપ લગાવ્યો હતો કે RSSએ શિક્ષણ વ્યવસ્થા પર સંપૂર્ણ કબજો કરી લીધો છે. આ માત્ર શિક્ષણનો નહીં, પરંતુ યુવાનોના ભવિષ્યનો પ્રશ્ન છે. એક તરફ યુવાનો અંબાણીના લગ્નમાં હજારો કરોડો રૂપિયાનો ખર્ચ થતો જુએ છે, જ્યારે તેમની પાસે પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવા માટે પણ પૈસા નથી. ભારતના વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે આ દેશમાં તેમનું કોઈ ભવિષ્ય નથી, અને તેમની વાત સંપૂર્ણપણે યોગ્ય છે.
તેમણે કહ્યું હતું કે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જ જોઈએ, પરંતુ વિદ્યાર્થીઓને તેમણે નથી માર્યા. ગૃહ મંત્રીએ માર્યા છે, એટલે તેમને રાજીનામું આપવું જોઈએ. તેમણે આગળ ઉમેર્યું હતું કે ધર્મેન્દ્ર પ્રધાન, ગૃહ મંત્રી અને વડા પ્રધાન — ત્રણેયે રાજીનામાં આપવાં જોઈએ.




