સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને ભારતનો આકરો સંદેશ

નવી દિલ્હીઃ એક વર્ષ પહેલાં પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ (Indus Water Treaty)ને ‘સ્થગિત’ કરી દીધી હતી. હવે સરકાર ચિનાબ નદી પર 5000 મેગાવોટથી વધુ સંયુક્ત ક્ષમતા ધરાવતા જળવિદ્યુત (હાઇડ્રોપાવર) પ્રોજેક્ટ્સના ઝડપી વિકાસ અને છ દાયકાથી જૂની આ સંધિ અંગે નવી રીતે ચર્ચા આગળ વધારવા તરફ કામ કરી રહી છે, એમ સરકારી સૂત્રોએ આ માહિતી આપી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ સરકારનું માનવું છે કે હાલના સ્વરૂપમાં આ સંધિ પોતાની ઉપયોગિતા ગુમાવી ચૂકી છે અને તેને વધુ સંતુલિત બનાવવા માટે પાકિસ્તાન સાથે ફરીથી વાટાઘાટો થવી જોઈએ. એક વરિષ્ઠ સરકારી સૂત્રે જણાવ્યું હતું કે સિંધુ જળ સંધિ હાલના સ્વરૂપમાં ફરી અમલમાં આવી શકે તેમ નથી.

આતંકવાદનો અંત લાવવાના કોઈ સંકેત નથી

પાકિસ્તાને ભારત વિરુદ્ધના સરહદ પારના આતંકવાદને ખતમ કરવાના કોઈ સંકેત આપ્યા નથી, જ્યારે સિંધુ જળ સંધિ હેઠળ સહકાર ફરી શરૂ કરવાની આ પ્રથમ અને અનિવાર્ય શરત છે, એમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું. ભવિષ્યમાં જો નદીના જળ વહેંચણીની જોગવાઈઓને ફરી અમલમાં લાવવા હોય, તો સંધિને સુધારેલા સ્વરૂપમાં ફરીથી તૈયાર કરવી પડશે. જોકે તે ત્યારે જ શક્ય બનશે જ્યારે પાકિસ્તાન ભારત વિરુદ્ધ આતંકવાદને સમર્થન આપવાનું કાયમી રીતે બંધ કરશે.

હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સમાં ઝડપ

કેન્દ્ર સરકારની સૌથી મોટી પ્રાથમિકતા ચિનાબ નદી પર પ્રસ્તાવિત મુખ્ય જળવિદ્યુત પ્રોજેક્ટ્સને ઝડપથી પૂર્ણ કરવાની છે. તેમાં 1856 મેગાવોટનો સાવલકોટ જલવિદ્યુત પ્રોજેક્ટ, 1000 મેગાવોટનો પાકલ દુલ પ્રોજેક્ટ, 850 મેગાવોટનો રાતલે પ્રોજેક્ટ, 624 મેગાવોટનો કિરુ પ્રોજેક્ટ અને 540 મેગાવોટનો ક્વાર પ્રોજેક્ટ સામેલ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કિરુ અને પાકલ દુલ પ્રોજેક્ટ્સ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની આશા છે, જ્યારે બાકીના પ્રોજેક્ટ્સ આગામી બેથી ત્રણ વર્ષમાં પૂર્ણ થઈ શકે છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ્સ ભારતના સ્વચ્છ ઊર્જા પરિવર્તન, વીજ ગ્રીડની સ્થિરતા અને પ્રાદેશિક વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થતાં ભારતની જળવિદ્યુત ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે અને સિંધુ બેઝિનમાં પોતાના કાયદેસર જળ અધિકારોનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરી શકાશે. સૂત્રોએ કહ્યું હતું કે જળવિદ્યુત પ્રોજેક્ટ્સના ઝડપી વિકાસ અને આધુનિક નદી બેઝિન વ્યવસ્થાપન સાથેની આ પહેલો સુનિશ્ચિત કરશે કે સિંધુ નદીના જળમાં ભારતના કાયદેસર હિસ્સાનો ઉપયોગ કાર્યક્ષમ, ટકાઉ અને દેશના દીર્ઘકાલીન વિકાસ, જળ સુરક્ષા તથા સ્વચ્છ ઊર્જાના લક્ષ્યોને અનુરૂપ થાય.