કોંગ્રેસ મુખ્યાલય ખાતે આયોજિત એક મહત્ત્વપૂર્ણ સંયુક્ત પત્રકાર પરિષદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીના જંતર-મંતર પર શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીને લઈને કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.

રાહુલ ગાંધીના ગૃહમંત્રી અમિત શાહ સામે સીધા સવાલો
પત્રકાર પરિષદને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, આદેશ કોણે આપ્યો?: મુદ્દો એ નથી કે ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં આવીને કોઈ સામાન્ય વિષય પર નિવેદન આપે, પરંતુ મુખ્ય પ્રશ્ન એ છે કે દિલ્હીમાં નિઃશસ્ત્ર વિદ્યાર્થીઓ પર પેલેટ ગન, આંસુ ગેસ અને ઇલેક્ટ્રિક શોક બેટન (Electric Shock Baton) ના ઉપયોગની મંજૂરી કોણે આપી? રાહુલ ગાંધીએ માંગ કરી હતી કે દેશ એ જાણવા માંગે છે કે શું આ નિર્ણય ગૃહમંત્રીની જાણમાં લેવાયો હતો કે નહીં? જો આદેશ અમિત શાહે આપ્યો હતો, તો તેમણે તેની સંપૂર્ણ જવાબદારી લેવી જોઈએ. અને જો તેમને આ અંગે જાણ ન હતી, તો પણ તેમની જવાબદેહી નક્કી થવી જોઈએ. આ બંને બાબતોમાંથી એક સ્પષ્ટ થવી અત્યંત જરૂરી છે.
મલ્લિકાર્જુન ખડગેના સરકાર પર પ્રહારો
પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીનો સખત વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ તેમણે રામ મંદિરના ચઢાવા અને દાન સંબંધિત મુદ્દો ઉઠાવીને સરકાર પાસે જવાબ માંગ્યો હતો અને કેન્દ્રની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા.




