PM મોદીને 111મી ગાળઃ શું વિરોધ પક્ષોને પડશે ભારે?

નવી દિલ્હીઃ કોંગ્રેસ-RJDના મંચ પરથી સ્વર્ગસ્થ માતા માટે અત્યંત અભદ્ર શબ્દો અને ગાળોઓને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી બિહારમાં મહિલાઓને સંબોધતા ભાવુક થયા હતા. તેમણે ભોજપુરીમાં કહ્યું હતું કે બિહારમાં ‘માઈ’નું સ્થાન દેવતા-પિતૃઓ કરતાં પણ ઊંચું હોય છે. તેમણે કહ્યું હતું કે આ માત્ર તેમની માતાનું નહીં, પરંતુ દેશની દરેક માતા-બહેન અને દીકરીનું અપમાન છે. તેમનું આ સંબોધન સાંભળીને રાજ્ય ભાજપાધ્યક્ષ દિલીપ જયસ્વાલની આંખોમાં આંસુ આવી ગયા હતા.

રાજ્યભરમાં મહિલા ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે અને ચોથી સપ્ટેમ્બરે NDAએ બિહાર બંધનું આહવાન કર્યું છે.વિરોધ પક્ષના અપશબ્દોની લાંબી યાદી

PM મોદી વિષે વિરોધ પક્ષે બોલેલા અપશબ્દોની લાંબી યાદી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભાજપાધ્યક્ષ જે.પી. નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને આ બધું વિગતવાર જણાવ્યું હતું. નડ્ડાએ લખ્યું કે કોંગ્રેસના નેતાઓએ પીએમ માટે 100થી વધુ વખત અપશબ્દો, ગાળો અને અપમાનજનક ટિપ્પણીઓ કરી છે. ક્યારેક “મોદી તારી કબર ખૂદશે”, “નીચ”, “કમિના”, “મોતનો સોદાગર”, “ઝેરીલો સાપ”, “બિચ્છુ”, “ચૂહો”, “રાવણ”, “ભસ્માસુર”, “નાલાયક”, “કૂતરાના મોતે મરશે”, “મોદીને જમીનમાં દાટી દઈશું”, “રાક્ષસ”, “દુષ્ટ”, “કાતિલ”, “હિંદુ જિન્ના”, “જનરલ ડાયર”, “જેબકતરો”, “ગંદી નાળી”, “કાળો અંગ્રેજ”, “કાયર”, “ઔરંગઝેબનો આધુનિક અવતાર”, “દુર્યોધન”, “હિંદુ આતંકવાદી”, “ગધેડો”, “નામર્દ”, “ચોકીદાર ચોર છે”, “તુઘલક”, “મોદીની બોટી-બોટી કરી દઈશું”, “સાલો મોદી”, “નમક હરામ”, “ગંવાર”, “નિકમ્મો” જેવા શબ્દો વપરાયા હતા.

કોંગ્રેસ નેતાને ‘ચાવાળો’ કહેવું પડ્યું ભારે

2014ની લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે “ચાવાળો” કહીને મોદીની મજાક ઉડાવી હતી. મોદીએ તેનો પ્રચારમાં જબરદસ્ત ઉપયોગ કર્યો અને ભાજપે ઘણાં સ્થળોએ ચાવાળાઓનું સન્માન કરી કોંગ્રેસ પર પ્રહાર કર્યો. જ્યારે મોદીને “નીચ” શબ્દ કહેવામાં આવ્યો ત્યારે તેમણે બતાવ્યું કે કેવી રીતે એક ઓબીસી વર્ગમાંથી આવેલા ગરીબ માતાના પુત્રનો અપમાન થયો છે. આ પણ કોંગ્રેસને ભારે પડ્યું. ઇતિહાસ સાક્ષી છે કે આવો દરેક હુમલો કોંગ્રેસ પર જ ભારે પડ્યો છે.

હવે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીએ પીએમ મોદીને “વોટ ચોર” કહેવાનું શરૂ કર્યું છે. રાજ્યમાં મતદાર યાદીના વિશેષ પુનરીક્ષણ અભિયાનને લઈને ‘વોટ અધિકાર યાત્રા’ કાઢી છે. આ વચ્ચે ભાજપને પીએમ મોદીની સ્વર્ગસ્થ માતાને ગાળવાનો મુદ્દો હાથ લાગ્યો છે. પીએમ મોદીએ હંમેશાની જેમ આને પણ હથિયાર બનાવ્યું છે.