લોકસભામાં રાહુલ ગાંધી, કેજરીવાલને આડે હાથ લીધા PM મોદીએ

નવી દિલ્હીઃ PM મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર થયેલી ચર્ચાનો જવાબ આપતાં વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. એ દરમ્યાન તેમણે સરકારી ઉપલબ્ધિઓ ગણાવતાં રાહુલ ગાંધી અને કેજરીવાલને પણ આડે હાથ લીધા હતા.

તેમણે કહ્યું હતું કે ઇથેનોલ બ્લેન્ડિંગ દ્વારા 1 લાખ કરોડ રૂપિયા ખેડૂતોના હાથમાં ગયા છે અને કોઈ કૌભાંડ ન થવાને કારણે લાખો, કરોડ રૂપિયા બચાવ્યા છે, જેનો ઉપયોગ જનતાની સેવામાં લગાવ્યા છે. બાકીના લાખો કરોડ રૂપિયાનો ઉપયોગ આપણે કાચનો મહેલ બનાવવામાં નહીં પણ દેશ બનાવવા માટે કર્યો છે. અમારા પહેલાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બજેટ રૂ. 1.8 લાખ કરોડ હતું. આજે તે 11 લાખ કરોડ રૂપિયા છે.આયુષ્માન ભારત યોજના, બીમારીને કારણે લોકો દ્વારા થતા ખર્ચ, અત્યાર સુધીમાં જેમણે લાભ લીધો છે તેમણે 1.20 લાખ કરોડ રૂપિયા બચાવ્યા છે. અમે જન ઔષધિ કેન્દ્રો ખોલ્યાં છે, જ્યાં લોકોએ દવાઓ લઈને લગભગ 30,000 કરોડ રૂપિયા બચાવ્યા છે. યુનિસેફનો અંદાજ છે કે જે પરિવારના ઘરમાં શૌચાલય બનાવ્યાં છે. તે પરિવારના લગભગ 70,000 રૂપિયા બચાવ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

ભારતમાં જન્મેલા પણ ન હોય તેવા 10 કરોડ લોકો વિવિધ યોજનાનો લાભ લઈ રહ્યા હતા. અમે તેમને દૂર કર્યા અને વાસ્તવિક લાભાર્થીઓને શોધવા અને તેમને લાભ આપવા માટે એક ઝુંબેશ શરૂ કરી. જો તમે ગણતરી કરો તો 3 લાખ કરોડ રૂપિયા ખોટા હાથમાં જતા બચી ગયા. હું એમ નથી કહેતો કે તે કોના હાથનો હતો. અમે સરકારી ખરીદીમાં પણ ટેક્નોલોજીનો સંપૂર્ણ ઉપયોગ કર્યો. JAM પોર્ટલ દ્વારા જે નિયમિત ખરીદી કરતાં ઓછી કિંમતે ખરીદી કરવામાં આવી હતી અને તેથી સરકારે 1.15 લાખ કરોડ રૂપિયા બચાવ્યા છે.

અમારા સ્વચ્છતા અભિયાનની મજાક ઉડાવવામાં આવી રહી હતી, પણ સરકારી કચેરીઓમાંથી વેચાતા કચરાના જથ્થામાંથી સરકારે 2300 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

કેટલાક નેતાઓનું ધ્યાન તેમના ઘરના સ્ટાઇલિશ બાથરૂમ પર છે. અમારું ધ્યાન દરેક ઘરને નળનું પાણી પૂરું પાડવા પર છે. 12 કરોડ લોકોને અમે નળ દ્વારા પાણી પૂરું પાડ્યું છે. અમારો પ્રયાસ સમસ્યાનો ઉકેલ લાવવાનો છે અને અમે સમર્પણ સાથે પ્રયાસ કરીએ છીએ.