PACL કૌભાંડ કેસઃ EDએ રૂ. 5046 કરોડની સંપત્તિ જપ્ત

નવી દિલ્હીઃ EDએ મોટા આર્થિક કૌભાંડ સાથે જોડાયેલા PACL લિ.. કેસમાં મોટી કાર્યવાહી કરી છે. EDએ રૂ. 5046.91 કરોડની કુલ 126 સંપત્તિઓ જપ્ત કરી છે. આ સંપત્તિઓ દિલ્હી અને પંજાબમાં સ્થિત છે. આ કેસ એક નકલી રોકાણ યોજનાથી સંબંધિત છે, જેમાં કંપનીએ લોકોને જમીન આપવાની લાલચ આપી દેશભરના લાખો રોકાણકારો પાસેથી અંદાજે રૂ. 48,000 કરોડ એકત્ર કર્યા હતા, પરંતુ મોટા ભાગના રોકાણકારોને ના તો જમીન મળી અને ના તેમના પૈસા પરત મળ્યા.

2014માં CBIએ શરૂ કરી હતી તપાસ

આ કૌભાંડની તપાસ 2014માં CBIએ શરૂ કરી હતી. ત્યાર બાદ EDએ મની લોન્ડરિંગ હેઠળ કેસ નોંધ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે કંપનીએ અનેક ફેક કંપનીઓ અને કાગદી લેવડદેવડ દ્વારા પૈસાની હેરફેર કરી હતી.

અત્યાર સુધી રૂ. 22,000 કરોડથી વધુ સંપત્તિ જપ્ત

સુપ્રીમ કોર્ટે 2016માં રોકાણકારોના પૈસા પરત આપવા માટે એક કમિટી પણ રચી હતી. છતાં કંપનીની સંપત્તિઓની ગેરકાયદે વેચાણ અને ગોટાળા ચાલુ રહ્યા હતા. EDના જણાવ્યા મુજબ અત્યાર સુધી આ કેસમાં કુલ રૂ. 22,656 કરોડથી વધુની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે. હાલ તપાસ ચાલુ છે.

 PACL કૌભાંડ શું છે?

PACL (Pearls Agrotech Corporation Limited) સ્કેમ ભારતની સૌથી મોટા નાણાકીય છેતરપિંડી અને પોન્ઝી સ્કીમ કેસોમાંની એક માનવામાં આવે છે. આ એક Collective Investment Scheme હતી, જેમાં PACLએ કૃષિ અને રિયલ એસ્ટેટ વિકાસને નામે રોકાણકારોને પૈસા ડબલ કરવાની અથવા જમીન આપવાની લાલચ આપી હતી.

 પોન્ઝી સ્કીમમાં કેવી રીતે થતો હતો કૌભાંડ

પ્રાપ્ત માહિતી મુજબ PACL કંપની પોન્ઝી સ્કીમ તરીકે કાર્યરત હતી, જેમાં નવા રોકાણકારોથી લેવામાં આવેલ પૈસા જૂના રોકાણકારોને ચુકવણી કરવા અને એજન્ટોને ભારે કમિશન આપવા માટે વપરાતા હતા. આ કૌભાંડ પાછળ પર્લ ગ્રુપના સ્થાપક નિર્મલ સિંહ ભંગુનું નામ સામે આવ્યું હતું, જેમનું ઓગસ્ટ, 2024માં નિધન થયું હતું.