DMK ચૂંટણી ઘોષણાપત્ર: મહિલાઓને માસિક રૂ, 2000, વિદ્યાર્થીઓને મફત લેપટોપ

ચેન્નઈઃ તામિલનાડુના મુખ્ય મંત્રી અને દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ના અધ્યક્ષ એમ. કે. સ્ટાલિને રવિવાર (23 એપ્રિલે યોજાનારી રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું,  તેમાં મહિલાઓ માટે ઘરેલુ ઇલેક્ટ્રોનિક સાધનો ખરીદવા અથવા બદલવા માટે રૂ. 8000ની ‘ઇલ્લૈરાસી’ કૂપન યોજના શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

મહિલાઓના કલ્યાણ માટે મોટું પગલું ભરીને DMKએ માસિક આર્થિક સહાય રૂ. 1000માંથી વધારીને રૂ. 2000 કરવાની ખાતરી આપી છે. આ ઘોષણાપત્રમાં ખેડૂતોને મફત પમ્પસેટ આપવાનો પ્રસ્તાવ પણ સામેલ છે, જેનો હેતુ કૃષિ ઉત્પાદન વધારવો અને ગ્રામિણ વિસ્તારોને સહારો આપવાનો છે.

શિક્ષણ અને યુવાનો પર ખાસ ધ્યાન

શિક્ષણ અને યુવાનોને ધ્યાનમાં રાખીને ખાસ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. સ્ટાલિને જાહેરાત કરી હતી કે ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા લગભગ 35 લાખ વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપવામાં આવશે. જ્યારે ‘પુધુમાઈ પેન’ અને ‘તમિલ પુધલવન’ યોજનાઓ હેઠળ દરેક વિદ્યાર્થીને રૂ. 1500ની આર્થિક સહાય આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે DMK ફરી સત્તામાં આવશે તો શિક્ષણ, ઉદ્યોગ અને કૃષિ સહિતનાં અનેક ક્ષેત્રોમાં કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે. તેમણે પાર્ટીનાં ચૂંટણી વચનોને ‘સુપરસ્ટાર’ ગણાવ્યાં હતાં.

મહિલાઓને મળશે કૂપન

DMK અધ્યક્ષે જણાવ્યું હતું કે મહિલાઓને આપવામાં આવતી કૂપનનો ઉપયોગ ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન, મિક્સર, માઇક્રોવેવ ઓવન અને ઇન્ડક્શન સ્ટોવ જેવાં ઘરેલુ ઉપકરણો ખરીદવા અથવા બદલવા માટે કરી શકાશે.

તેમણે કહ્યું હતું કે “નવી ‘ઇલ્લૈરાસી’ યોજના અમલમાં મૂકવામાં આવશે. આ યોજના હેઠળ આવકવેરા હેઠળ ન આવતી પરિવારોની મહિલાઓને તેમના નિવાસસ્થાન નજીકની દુકાનોમાંથી ઇલેક્ટ્રોનિક સામાન ખરીદવા માટે રૂ. 8000ની એક કૂપન આપવામાં આવશે.

તમિળ ભાષામાં ‘ઇલ્લૈરાસી’નો શાબ્દિક અર્થ ‘ઘરની રાણી’ થાય છે. સ્ટાલિને વિશ્વાસ વ્યક્ત કર્યો કે 23 એપ્રિલની ચૂંટણીમાં પાર્ટીનું ગઠબંધન 234માંથી 200થી વધુ બેઠકો જીતશે.

વિપક્ષે ઉઠાવ્યા સવાલ

AIADMKના મહાસચિવ ઇ. કે. પલાનિસ્વામીએ DMKના ચૂંટણી વચનો પર કડક પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે મહિલાઓને રૂ. 8000નું કૂપન આપવાનો હેતુ ‘કમિશન’ મેળવવાનો છે.