સીટ વહેંચણી મુદ્દે ચિરાગે પાસવાને ભાજપ, JDUની વધારી ચિંતા

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત સાથે જ લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના પ્રમુખ ચિરાગ પાસવાનના ચક્રવ્યૂહમાં ભાજપને મુશ્કેલીમાં મૂકી દીધો છે. ચિરાગ પાસવાન અને ભાજપના વરિષ્ઠ નેતાઓ વચ્ચે બેઠેલી બે બેઠકમાં કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નહોતી. આ બેઠકમાં LJP ના નેતાઓએ લોકસભા ચૂંટણીમાં જીતેલી પાંચ બેઠકોમાંથી દરેક બેઠક પરની બે વિધાનસભા બેઠકો ઉપરાંત તે બેઠકો પર પણ દાવો કર્યો છે, જ્યાં હાલ ભાજપ અથવા જનતા દળ (એક્ય)ના વિધાયકો છે. ચિરાગ પાસવાનનાં નિવેદનોને લઈને ભાજપ અને JDU પહેલેથી જ ગૂંચવણમાં છે.

વાસ્તવમાં ગયા મહિને જ ચિરાગ પાસવાને રાજ્ય સરકાર અને CM નીતીશકુમારની આકરી ટીકા કરી હતી, પરંતુ ચૂંટણીમાં NDAની જીતનો દાવો પણ કર્યો હતો. સપ્ટેમ્બરના અંતમાં પટનામાં વેપારી ગોપાલ ખેમકાની હત્યા બાદ ચિરાગ પાસવાને બિહારની કાનૂન-વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે બિહારમાં કાનૂન-વ્યવસ્થા ખતમ થઈ ગઈ છે. મને ખેદ છે કે હું એવી સરકારનો ભાગ છું, જે ગુનાખોરી કાબૂમાં રાખવામાં નિષ્ફળ રહી છે. ત્યાર બાદ તેમણે CM નીતીશકુમાર પર ‘ડબલ સ્પીક’નો આરોપ મૂક્યો હતો.

સહમતી પછી થશે નક્કી

ચિરાગ પાસવાને ભાજપના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન, પ્રદેશ પ્રભારી વિનોદ તાવડે અને મંગલ પાંડે સાથે એક કલાક સુધી ચર્ચા કરી હતી પ્રધાન અને તાવડે તેમની સાથે ઘરે પણ મળ્યા હતા. આ દરમિયાન પાર્ટી તરફથી જીતેલી લોકસભા બેઠકોની દરેક પર બે વિધાનસભા બેઠકો, મોટા નેતાઓ માટે ખાસ બેઠક અને ગયા વિધાનસભા ચૂંટણીના પ્રદર્શનના આધારે બેઠકો નક્કી કરવાની માગ રાખવામાં આવી હતી. પાર્ટી ઓછામાં ઓછી 40 બેઠકોની દાવેદારી કરી રહી છે.

જીતનરામ માઝી પણ અડગ

હિંદુસ્તાની અવામ મોરચા (હમ)ના પ્રમુખ જીતનરામ માઝી સાથે પણ ભાજપના નેતાઓની બેઠક થઈ હતી. પાર્ટીનાં સૂત્રો મુજબ હમ ઓછામાં ઓછી 12 બેઠકોની દાવેદારી કરી રહી છે, જ્યારે ભાજપ સાત આપવા તૈયાર છે. આ પ્રસ્તાવને હમે નકારી કાઢ્યો છે. હમનું કહેવું છે કે ગયા વખતમાં તે આઠ બેઠકો પર લડી હતી.