નવી દિલ્હીઃ ઉત્તરાખંડની ચારધામ યાત્રા ફરી એક વાર નવા રેકોર્ડ તરફ આગળ વધી રહી છે. વરસાદ અને હિમવર્ષા છતાં શ્રદ્ધાળુઓનો ઉત્સાહ ઓછો થયો નથી. કેદારનાથ ધામમાં આ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યાએ ગયા વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અત્યાર સુધીમાં 16.56 લાખથી વધુ શ્રદ્ધાળુઓ બાબા કેદારનાં દર્શન કરી ચૂક્યાં છે, જ્યારે વર્ષ 2024માં યાત્રાકાળ દરમિયાન 16.52 લાખ યાત્રી પહોંચ્યા હતા.
કેદારનાથમાં પહોંચ્યા 5614 શ્રદ્ધાળુઓ
બુધવારે કેદારનાથ ધામમાં 5614 શ્રદ્ધાળુઓએ બાબા કેદારના દર્શન કર્યાં હતાં. કેદારનાથ ધામના કપાટ 23 ઓક્ટોબર, ભાઈબીજના દિવસે બંધ થશે, એટલે કે યાત્રા હજી 15 દિવસ સુધી ચાલુ રહેશે. તેથી અનુમાન છે કે આ વર્ષે યાત્રિકોની સંખ્યા 17 લાખને પાર થશે.
અન્ય ધામોમાં પણ વધતી ભીડ
માત્ર કેદારનાથ જ નહીં, પરંતુ બદરીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામોમાં પણ શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. મોન્સૂન સીઝન દરમિયાન ભારે વરસાદ અને ભૂસ્ખલનથી યાત્રા પ્રભાવિત થઈ હતી, છતાં હવે ચારધામ યાત્રાએ ફરી ગતિ પકડી છે.
રાજ્ય સરકાર તરફથી શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે મજબૂત વ્યવસ્થાઓ કરવામાં આવી છે. યાત્રામાર્ગ પર સુરક્ષા દળોની તૈનાતી કરવામાં આવી છે જેથી કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિમાં તરત મદદ પહોંચી શકે. એ સાથે જ ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોમાં કાદવ અને કાટમાળ દૂર કરવા માટે JCB મશીનો તૈનાત કરવામાં આવ્યાં છે, જેથી ટ્રાફિક સુચારુ રહે.
પ્રશાસને યુદ્ધસ્તરે યાત્રા પુનઃ શરૂ કરી
વરસાદ થંભ્યા બાદ શાસન અને પ્રશાસન ટીમોએ યુદ્ધ સ્તરે રાહત અને પુનઃસ્થાપનનું કાર્ય શરૂ કર્યું. સામાન્ય જનજીવન સાથે યાત્રામાર્ગોને પણ ઝડપથી સુચારુ બનાવવામાં આવ્યા. ત્યાર બાદ યાત્રા ફરી શરૂ કરવામાં આવી અને સુરક્ષા પ્રોટોકોલને વધુ મજબૂત બનાવવામાં આવ્યા હતા.
યાત્રિકોને સાવચેતી રાખવાની અપીલ
પ્રશાસને યાત્રિકોને અપીલ કરી છે કે ખરાબ હવામાનની પરિસ્થિતિમાં યાત્રાથી બચવું અને જો યાત્રામાર્ગમાં ફસાઈ ગયા હોય તો સુરક્ષિત જગ્યાએ આશરો લેવો. હવામાન વિભાગના અંદાજ મુજબ આગામી કેટલાક દિવસો સુધી ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતા યથાવત્ રહેશે.
