નવી સરકારની ફોર્મ્યુલા : ભાજપનો CM અને JDU ક્વોટાથી ડેપ્યુટી CM

પટનાઃ બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમાર રાજ્યસભામાં જશે. તેમણે પોતે સોશિયલ મિડિયા પર આ માહિતી આપી છે. હવે બિહારમાં ભાજપનો મુખ્ય મંત્રી બનશે. એ ઉપરાંત JDU ક્વોટાથી ઉપમુખ્ય મંત્રી રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ નિશાંત કુમારને રાજ્યના ઉપમુખ્ય મંત્રી બનાવવામાં આવી શકે છે.

વિધાનમંડળ દળની બેઠક

ટૂંક સમયમાં વિધાનમંડળ દળની બેઠક બોલાવવામાં આવશે. જોકે મુખ્ય મંત્રી નીતીશકુમારને રાજ્યસભામાં મોકલવાના નિર્ણયથી JDUના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તેમનો આરોપ છે કે વિધાનમંડળ દળની બેઠક કર્યા વગર જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિધાયકોનું પણ કહેવું છે કે આવા મહત્વના નિર્ણયો JDU વિધાનમંડળ દળની બેઠકમાં લેવાતા હોય છે.

નિશાંત બનશે ડેપ્યુટી CM

ગયા અઠવાડિયે 75 વર્ષ પૂર્ણ કરનાર નીતીશકુમાર રાજ્યસભા માટે નામાંકન દાખલ કરશે. JDU નેતા વિજય કુમાર ચૌધરીએ દાવો કર્યો હતો કે નીતીશકુમારના પુત્ર નિશાંત ટૂંક સમયમાં સક્રિય રાજકારણમાં પ્રવેશ કરશે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું નહોતું કે મુખ્ય મંત્રી પદ છોડ્યા પછી પાર્ટીનું નેતૃત્વ કોણ સંભાળશે. હવે ધીમે-ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે કે નીતીશ પોતાના પુત્ર માટે ઉપમુખ્ય મંત્રી પદના બદલામાં સહયોગી ભાજપને સત્તા સોંપી શકે છે.

નીતીશનું રાજ્યસભામાં ચૂંટાવું લગભગ નિશ્ચિત

વર્ષ 2025ની વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ રાષ્ટ્રીય લોકતંત્ર ગઠબંધન (NDA)ને મોટી જીત અપાવ્યા પછી નીતિશ કુમાર પદ છોડે તો ભાજપના કોઈ નેતા મુખ્ય મંત્રી બની શકે છે. જો આવું થાય તો બિહારને પ્રથમ વખત ભાજપનો મુખ્ય મંત્રી મળશે. હિન્દી ભાષી રાજ્યોમાં બિહાર અત્યાર સુધી એવું રાજ્ય રહ્યું છે જ્યાં ભાજપનો મુખ્ય મંત્રી રહ્યો નથી. બિહારથી રાજ્યસભાની પાંચ બેઠકો માટે 16 માર્ચે ચૂંટણી યોજાવાની છે અને ગુરુવારે નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ છે. વિધાનસભામાં હાલના સંખ્યાબળને જોતાં નીતીશ કુમારનું રાજ્યસભા માટે ચૂંટાવું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.