નેપાળના યુવા સાંસદો-અગ્રણીઓની મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેપાળની સંસદના 14 જેટલા યુવા સાંસદો અને વિવિધ 8 રાજકીય પક્ષોના અગ્રણીઓ સાથે મુલાકાત કરી. નેપાળના ધી ફ્રી યુથ ડેમોક્રેટિક ઓર્ગેનાઇઝેશનના નેજા હેઠળ આ યુવા સાંસદો અને 8 જેટલા પક્ષોના અગ્રણીઓ ગુજરાતના સાપ્તાહિક પ્રવાસે આવેલા છે. આ પ્રવાસ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી, દ્વારકા, સોમનાથ, અમૂલ ડેરી આણંદ વગેરે સ્થળોની મુલાકાત કરવાના છે.નેપાળના સાંસદો અને વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓએ ગુજરાતે ભારતના વિકાસ રોલ મોડલ તરીકે શિક્ષણ, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક વિકાસ, સહકારીતા તથા રોજગારીના ક્ષેત્રમાં જે સીમાચિન્હ રૂપ વિકાસ સાધ્યો છે તે જાણીને તેઓ પ્રભાવિત થયા હોવાની લાગણી વ્યક્ત કરી હતી. ડેલિગેશનના સભ્યોએ એમ પણ કહ્યું કે, સમૃદ્ધ નેપાળના નિર્માણ માટે ભારત-ગુજરાત પાસેથી કઈ રીતે વિકાસ રાહે આગળ વધી શકાય, લોકોને સાથે રાખીને તથા સાયન્સ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી કઈ રીતે વિકાસ થઈ શકે તે જાણવા અને સમજવાનો તેમના આ પ્રવાસનો હેતુ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં જણાવ્યું કે, સૌને સાથે રાખીને અને છેવાડાના, ગરીબ માનવીના હિતને કેન્દ્રમાં રાખીને યોજનાઓ બનાવીને તેનો લાભ 100 ટકા લાભાર્થીઓ સુધી પહોંચાડવાની, સૌના સાથ સૌના વિકાસની વડાપ્રધાનની કાર્યપદ્ધતિનો સૌથી વધુ લાભ ગુજરાતને મળ્યો છે.